વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો આવ્યો છે, ભાજપ અને કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે અનેક ઉમેદવારો લોબિંગ કરી રહ્યા છે.
70થી વધુ ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા
ત્યારે ભાજપ દ્વારા આજે ભાભરના લોહાણા સમાજની વાડીમાં ભાજપના નિરીક્ષક જનક પટેલ, દર્શનાબેન વાઘેલા, યમલ વ્યાસ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં 70થી વધુ ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે, ત્યારે આ વિધાનસભાની સીટ કબજે કરવા માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસ પક્ષ કોઈપણ કચાશ રાખવા માગતા નથી.
2022માં ગેનીબેન સામે ચૂંટણી હારેલા સ્વરૂપજી ઠાકોર પણ ફરી ટિકિટ લેવા પહોંચ્યા
ત્યારે અનેક ટિકિટ વાંચ્છુક ઉમેદવારો ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી લોબિંગ કરી રહ્યા છે, ત્યારે ભાજપ પક્ષ દ્વારા આજે ભાભરની લોહાણા વાડીમાં ભાજપના નિરીક્ષક જનક પટેલ, દર્શના વાઘેલા અને યમલ વ્યાસ ઉમેદવારોની સેન્સ લેવા પહોંચ્યા હતા. જ્યાં 70થી વધુ ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. જેમાં વાવ વિધાનસભાની ચૂંટણીમાં 2022માં ગેનીબેન સામે ચૂંટણી હારેલા સ્વરૂપજી ઠાકોર, નૈકાબેન પ્રજાપતિ, અમીરામ આસલ, પીરાજી ઠાકોર, ગજેન્દ્રસિંહ રાણા, ખેમજીભાઈ ઠાકોર, તારાબેન ઠાકોર, કાનજીભાઈ રાજપૂત સહિતના અનેક નેતાઓ પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા છે.
ભાજપ આ રીતે ઉમેદવારની કરશે પસંદગી?
જ્યાં ભાજપના ત્રણેય નિરીક્ષકોએ એક બાદ એક ઉમેદવારોને બોલાવીને તેમને સાંભળી રહ્યા છે, તેમજ ઝીણવટભરી વિગતો મેળવી રહ્યા છે. જોકે નિરીક્ષકો સાંજ સુધી તમામ ઉમેદવારોને સાંભળશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલશે અને તે પછી અનેક સમીકરણો જોઈને ભાજપ ઉમેદવારને પસંદ કરશે.
3 લાખ મતદારો કરશે તેમના મતાધિકારનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે વાવ બેઠક પર 2017માં વર્તમાન સાંસદ ગેનીબેન ઠાકોરે ગુજરાત ભાજપના મોટા નેતા શંકર ચૌધરીને પણ હાર આપી હતી, ત્યારબાદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને પણ હરાવ્યા હતા. તે બાદ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ગેનીબેન સાંસદ બનતા આ સીટ ખાલી પડી હતી. ઉલ્લેખનીય છે કે વાવ વિધાનસભા સીટ પર અંદાજિત 3 લાખ મતદારો છે અને તેમાં મોટાભાગના મતદારો ઠાકોર સમાજના છે, જ્યારે 17 ટકા ચૌધરી પટેલ સમાજના, 12 ટકા દલિત સમાજના, 9 ટકા બ્રાહ્મણ સમાજના અને 9 ટકા રબારી સમાજના છે. જો કે વર્ષ 1998થી લઈને 2022 સુધીમાં મોટેભાગે આ બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે, જેથી આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
Source link