રાજ્યમાં ડ્રોના ગોરખધંધા પર સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. સાંસદે કહ્યું કે બનાસકાંઠામાં ડ્રોના નામે ગોરખધંધાનો રાફડો ફાટી નીકળ્યો છે. બનાસકાંઠામાં કીડિયારૂની જેમ ડ્રો શરુ થયા છે.
અનાથ બાળકોના નામે ડ્રો માત્ર કહેવા પૂરતા: ગેનીબેન ઠાકોર
લોકોને લૂંટવા માટે શરુ થયેલા ડ્રોને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપતા કહ્યું કે અનાથ બાળકોના નામે ડ્રો કરવાનું માત્ર કહેવા પુરતું છે, બાકી તે ડ્રો વ્યક્તિગત સ્વાર્થ માટે થાય છે. બનાસકાંઠામાં અત્યારે મોટા પ્રમાણમાં ગેરકાયેદસર ગૌશાળા અને અનાથ બાળકોના નામે ડ્રો શરૂ થયા છે. અનાથ બાળકોના નામે શરુ કરેલા ડ્રોમાં બાળકોને નજીવી રકમ આપીને કરોડો રૂપિયા આયોજકોના ખિસ્સામાં જાય છે અને તેઓ ધૂમ કમાણી કરી રહ્યા છે.
ઠાકોર સમાજના કેટલાક વ્યક્તિઓ પણ કરી રહ્યા છે આયોજન
એક સભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે જાહેરમાં કહ્યું કે ડ્રોમાં કોઈએ લલચાવવું નહીં, તેમાં આયોજકોનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ હોય છે અને તેઓ અનાથ બાળકો અને ગાયોના નામે ડ્રો કરે છે. વધુમાં કોંગ્રસના સાંસદ ગેનીબેન ઠાકોરે ડ્રોના નામે ચાલતા ગોરખધંધાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ભોળા લોકો આવી સ્કીમોમાં ફસાય નહીં તે માટે અપીલ પણ કરી હતી.
અમદાવાદની ધર્મસભામાં ગેનીબેન ઠાકોરનું નિવેદન
ગઈકાલે અમદાવાદની ધર્મસભામાં સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા કહ્યું હતું કે આપ સૌને અભિનંદન આપું છું, આજે શંકરાચાર્ય મહારાજ પધાર્યા છે. ગુજરાત હિન્દુ ધર્મનું કેપિટલ રહ્યું છે. જે રીતે મહારાષ્ટ્ર સરકારે ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરી છે, તે રીતે ગુજરાત સરકાર પણ કાયદો લાવે અને ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરે, જો રાજ્ય સરકાર કાયદો લાવશે તો કોંગ્રેસ સરકાર પણ તેમાં સાથ આપશે.
વહેલી તકે તમામ રાજ્યોમાં ગૌમાતાનું બજેટ ફાળવવામાં આવે
વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે આજે સૌથી વધુ ગૌશાળા મારા મત વિસ્તાર બનાસકાંઠામાં છે. મેં બધાને વિશ્વાસ આપ્યો હતો કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે માટે હું અવાજ ઉઠાવીશ અને જેને ગૌમાતાના કતલખાના પાસેથી ફંડ લીધું હોય તેમના નામ પણ જાહેર કરવા જોઈએ. આ સાથે જ વહેલી તકે તમામ રાજ્યમાં ગૌમતાનું બજેટ ફાળવાય તેવી આશા રાખું છું.
Source link