GUJARAT

નવાયાર્ડમાં નગર-સોસાયટીમાં ગંદા પાણીનું વિતરણ !

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં પાંચેક નગર- સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી ડ્રેનેજ ભેગુ કાળુ ગંદુ પાણી વિતરણ થતાં આજે રહીશોએ ધરણા કર્યા હતા. કોર્પોરેટર બિમાર હોવા છતાં મહિલાઓ સાથે ધરણા પર બેસાડતા તંત્ર દોડતુ થયુ હતુ અને કામગીરી હાથ ધરી હતી.

નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રસૂલજીની ચાલ, રમણીક લાલની ચાલ, ઝેવિયર નગર, જયતુલ નગર અને સરસ્વતિ નગરમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે. જ્યાં ડ્રેનેજ લાઈનો પણ ચોકઅપ છે અને કાળા રંગનુ ગંદુ દુર્ગંધ મારતુ પાણી પીવા માટે વિતરણ કરાય છે. જે વિશે સ્થાનિકોએ જ નહીં, પરંતુ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ પણ કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી, પરંતુ ખાડા ખોદી કાઢયા પછી કોઈ કામગીરી જ કરાઈ ન હતી. સ્ટાફનો અભાવ હોવાથી કામગીરી થતી ન હતી.

ઉપરોક્ત વિસ્તારોમાં ટીપી-13, છાણી અને સમા એમ ત્રણ ટાંકીઓમાંથી પાણી ભેગું કરીને વિતરણ કરાય છે. સાંજે 6 કલાકે પાણી વિતરણ કરવામાં આવે છે ત્યારે લોકોના ઘરોના નળોમાંથી કાળા રંગનુ ગંધાતુ પાણી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ વિસ્તારોમાં અંદાજે 5 હજાર લોકોની વસતી છે. ત્યાં પીવાના પાણીની સાથે ડ્રેનેજની પણ સમસ્યા છે ત્યારે રજૂઆતો પછી પણ ઉકેલ નહીં આવતા આજે લોકોએ આમરણાંક ઉપવાસ પર બેસવાની તૈયારી દાખવી હતી. જે માટે સ્થાનિકોએ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાનો સંપર્ક કર્યો હતો અને તેમને સ્થળ પર બોલાવ્યા હતાં. પુષ્પાબેનને તાવ આવતો હતો જેથી તેમણે આમરણાંત ઉપવાસને બદલે ધરણા કરવા લોકોને કહ્યું હતું અને ઉકેલ ન આવે તો આમરણાંક ઉપવાસ પર બેસવાની તૈયારી દાખવી હતી. એ પછી સ્થાનિક મહિલાઓને સાથે રાખીને પુષ્પાબેન નવાયાર્ડના નાળા પાસે આવેલા અંબા માતાના મંદિરની સામે ધરણા પર બેઠાં હતાં. સવારે 11 કલાકે ધરણા શરૂ કરતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર ધાર્મિક પંડયાએ તુરંત જ વોર્ડમાંથી એન્જિનિયર સહિતનો સ્ટાફ મોકલી આપ્યો હતો. જેમણે કામગીરી શરૂ કરતા આખરે 12:30 કલાકની આસપાસ ધરણા આટોપી લેવાયા હતાં.વોર્ડના પાણી પુરવઠા વિતરણ વિભાગમાં એક પણ એન્જિનિયર નથી, જેથી પુષ્પાબેને કાર્યપાલક ઈજનેર પાસે એન્જિનિર મૂકવાની પણ માગણી કરી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button