દેશમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ દિલ્હીમાં ઠંડીની શરૂઆત થવાની સાથે સાથે પ્રદૂષણના સ્તરમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયુ છે. ત્યારે આજની વાત કરીએ તો જહાંગીરપુરી અને આઇટીઆઇમાં 467 અને 445 એક્યુઆઇ નોંધાયો છે. તો વળી દિલ્હીની યમુના નદીમાં સફેદ ઝેરી ફીણ તરતુ જોવા મળ્યુ હતું, કાલિંદી કુંજ પાસેથી દ્રશ્યો સામે આવ્યા છે. જેને લઇને પ્રદૂષણની સ્થિતિ ચિંતા જનક જોવા મળી રહી છે.
દિલ્હીમાં શુક્રવારે કેટલો નોંધાયો AQI ?
શુક્રવારે સવારે 6 વાગ્યે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયાનક સ્તરે પહોંચી ગયું હતું. આઈટીઆઈ જહાંગીરપુરીમાં 467, મુંડકામાં 445, ડીઆઈટીમાં 386, ન્યૂ સરૂપ નગરમાં 372, પ્રશાંત વિહારમાં 362, આઈપી એક્સ્ટેંશનમાં 356, ઈહબાસમાં 353, આનંદ વિહારમાં 353, પૂઠ ખુર્દમાં 352, ભલસ્વા લેન્ડફિલમાં 327 રોહિણી સેક્ટર 7માં 327, નરેલા 314, મુસ્તફાબાદ 305, રોહિણી સેક્ટર 15માં 305, રોહિણી સેક્ટર 30માં 302 નોંધાયુ હતું.
યમુના નદી પ્રદૂષિત
દિલ્હીની યમુના નદીમાં તરતા ઝેરી ફીણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ દ્રશ્યો જોઇને પ્રદૂષણ અંગે લોકોની ચિંતા વધી હતી. યમુના નદીના આ પ્રદૂષણ માટે નિષ્ણાતોએ મુખ્યત્વે તૂટેલી ગટર લાઇન અને ડિટર્જન્ટને જવાબદાર ગણાવ્યા છે. નિષ્ણાતોના મતે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ડાઈંગ ઈન્ડસ્ટ્રીઝ, ધોબી ઘાટ અને ઘરોમાં વપરાતા ડિટર્જન્ટને કારણે નદીમાં આ ઝેરી ફીણ ઊભું થયું છે. જેના કારણે નદીના પાણીમાં ફોસ્ફેટની માત્રામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નવેમ્બરમાં, છઠ પૂજાની ઉજવણી દરમિયાન, ઝેરી ફીણથી ભરેલી યમુના નદીમાં ઉભેલા ભક્તોની તસવીરોએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. કાલિંદી કુંજના કાંઠેથી ઝેરી ફીણ દૂર કરવા માટે પ્રદૂષિત નદીમાં બોટ તૈનાત કરવા બદલ દિલ્હી સરકારને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.