GUJARAT

Gandhinagar: રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે હેલ્મેટ ફરજિયાત

ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે. હેલ્મેટ વગરના કર્મચારીને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. આ અગાઉ અમદાવાદ પોલીસ કર્મચારી/અધિકારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે પરિપત્ર જાહેર કર્યો

રાજ્ય સરકારે પરિપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી, રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.

મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ નિયમ-129 હેઠળ, દ્વિચક્રી વાહન ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવાથી, સરકારની પુખ્ત વિચારણાને અંતે રાજ્યની તમામ સરકારી કચેરીઓનાં પરિસરમાં દ્વિચક્રી વાહન મારફતે આવતા-જતા અધિકારીઓ-કર્મચારીઓ-સ્ટાફ માટે નીચે મુજબની સુચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.

  1. સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં દ્વિચક્રી વાહન (મોટર સાઇકલ, સ્કુટર વગેરે) પર આવતા-જતાં વાહનચાલક તથા પાછલી સીટ પર બેસનાર અધિકારીઓ/કર્મચારીઓએ ફરજીયાતપણે, નિયત ધોરણસરનું હેલ્મેટ પહેરીને જ સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ લેવાનો રહેશે, અન્યથા તેઓને સરકારી કચેરીના પરિસરમાં પ્રવેશ અટકાવી શકાશે.
  2. આ સૂચનાઓના યોગ્ય અમલીકરણ માટે સંબંધિત કચેરીના વડાઓએ નિયંત્રણ હેઠળના સર્વે અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી સૂચના તથા તે અંગે ચકાસણી થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.
  3. ઉક્ત વ્યવસ્થા માટે, જરુર જણાય તો, પોલીસ ખાતા/સલામતી દળના કર્મચારીઓની સેવા મેળવી શકાશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button