દિલ્હીના રોહિણી જિલ્લાના પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ જેવો અવાજ સંભળાયા બાદ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સીઆએપીએફ સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો હતો. જ્યાં હાલ ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. આ મામાલે એનએસજીની ટીમ શાળાની અંદર પહોંચી છે. જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં જડબેસલાક સુરક્ષા રાખવામાં આવી છે.
બોમ્બ ડિફ્યુઝલ ટીમ- ડોગ સ્કવોર્ડ ઘટના સ્થળે
એનએસજીની બોમ્બ ડિફ્યુઝલ ટીમ ઘટના સ્થળે પોહંચી છે. એફએસએલ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્ક્વોર્ડ પણ ઘટના સ્થળે છે. બ્લાસ્ટ બાદ તપાસ કરતા ઘટના સ્થળ પરથી સફેદ પાવડર મળી આવ્યો છે. ફોરેન્સિક એટલે કે એફએસએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સેમ્પલ લીધા હતા.
કાચ તૂટી ગયા, હોર્ડિગ્સ ધરાશાયી- પ્રત્યક્ષદર્શી
દિલ્હી પ્રશાંત વિહારમાં CRPF સ્કૂલની બહાર થયેલા વિસ્ફોટ અંગે પ્રત્યક્ષદર્શી શશાંકે જણાવ્યું હતું કે વિસ્ફોટ સમયે અમને લાગ્યું કે સિલિન્ડર બ્લાસ્ટ થયો છે અથવા કોઈ બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. બ્લાસ્ટ બાદ ધુમાડાનું જાણે એક વાદળ બની ગયુ હોય તેમ ત્યાં લગભગ 10 મિનિટ સુધી ધુમાડો જોવા મળ્યો. શશાંકે વધુમાં જણાવ્યું હતું કે વિસ્ફોટના કારણે દુકાનોના કાચ તૂટ્યા હતા અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. દિલ્હી પોલીસ 5 મિનિટમાં અહીં પહોંચી ગઈ હતી. કારણ કે ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ સ્ટેશન અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ નજીકમાં છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
શું કહ્યું ડીસીપીએ ?
આ અંગે માહિતી આપતા રોહિણી ડીસીપી અમિત ગોયલે જણાવ્યું કે બ્લાસ્ટનું સાચું કારણ જાણવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. હાલમાં તે સ્પષ્ટ નથી થયું કે આ વિસ્ફોટ કયા પ્રકારનો હતો અને તેનો સ્ત્રોત કયો છે. તેમણે કહ્યું કે નિષ્ણાત ટીમ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ સ્થિતિ સ્પષ્ટ થશે. ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને ઘટનાસ્થળે બોલાવી હતી. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તે હુમલો કે અકસ્માતનો ભાગ છે તે જાણવા માટે તપાસ કરશે.