GUJARAT

હરીપર પાસે હોટલના મેદાનમાં ટ્રકે અડફેટે લેતાં રાજગઢના યુવાનનું મોત

 ધ્રાંગધ્રા તાલુકાના હળવદ રોડ અને અમદાવાદ રોડ પર અકસ્માતના અલગ-અલગ 2 બનાવ બન્યા છે. જેમાં હરીપર પાસે હોટલના મેદાનમાં ટ્રકનું ટાયર ફરી વળતા રાજગઢના યુવાનનું પ્રાણપંખેરૂ ઉડી ગયુ છે. જયારે ચુલી પાસે ટ્રીપલ અકસ્માતમાં 1નું મોત અને 1ને ઈજા પહોંચી છે. આ ઉપરાંત બજાણા પાસે બાઈક અડફેટે આધેડને ઈજા પહોંચી છે.

ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે રહેતા તુષારભાઈ ગણપતભાઈ પરમાર હળવદની આર.એસ.ઈન્ફ્રા કંપનીમાં નોકરી કરતા હતા. તા. 19-10ના રોજ સાંજે તેઓ ગામના રાજનભાઈ ચમનભાઈ પરમાર સાથે બાઈક પર રાજગઢ જતા હતા. ત્યારે હરીપર પાસે જયોતી હોટલે તેઓ ચા-પાણી કરવા રોકાયા હતા. ચા-પાણી કર્યા બાદ તુષારભાઈ હોટલના મેદાનમાં ઉભા હતા ત્યારે હોટલથી અમદાવાદ તરફ જતા ટ્રક ચાલકનું ધ્યાન રસ્તા તરફ હોઈ તેઓએ તુષારભાઈને અડફેટે લીધા હતા. જેમાં તેઓના માથાના ભાગે ટાયર ફરી વળતા મોત થયુ હતુ. બનાવની મૃતક તુષારભાઈની માતા દેવુબેન ગણપતભાઈ પરમારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ એચસી એસ.એ.ખાંભલા ચલાવી રહ્યા છે. જયારે બીજા બનાવની મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ચુલી ગામ પાસે આવેલા તારંગાધામ નજીક રવીવારે મોડી રાત્રે ટ્રક, આઈશર અને તેલના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશરમાં બેસેલા એક યુવાનનું મોત થયુ હતુ. જયારે આઈશરના ચાલકને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે દોડી જઈ મૃતદેહને ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાયો હતો. અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. બીજી તરફ બજાણા પોલીસ મથકે નોંધાયેલ બનાવની મળતી માહીતી મુજબ પાટડી તાલુકાના બજાણા ગામના 52 વર્ષીય રતીલાલ દેવશીભાઈ મકવાણા ખેતી કરે છે. તા. 9-10ના રોજ તેઓ બપોરે ક્રીષ્ના હોટલે બાઈક લઈને જમવા જતા હતા. ત્યારે બાઈકની ચેન ઉતરી જતા તેઓ બાઈક પાર્ક કરીને બાઈક પાસે ઉભા હતા. આ સમયે બજાણા ગામ તરફથી ફુલસ્પીડે બાઈક લઈને આવેલા દેવાભાઈ માનસંગભાઈ ઠાકોરે તેઓને અડફેટે લીધા હતા. અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. બનાવમાં દેવાભાઈને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે બજાણા પોલીસ મથકે દેવા ઠાકોર સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ કે.જી.પારધી ચલાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button