છેલ્લા ઘણા સમયથી સાયબર ગઠિયાઓે મોડસ ઓપરેન્ડી બદલી હોય તેવું જણાય છે. હવે સાયબર ગઠિયાઓ લોકોને ડિજિટલ એરેસ્ટ રાખીને ધાકધમકીથી નાણાં પડાવી રહ્યા છે. વડોદરામાં બનેલા આવા જ એક બનાવમાં એક મહિલાને ડિજિટલ એરેસ્ટ દ્વારા ધમકી આપીને લાખો રૂપિયા પડાવી લેવાયા હતા. છાશવારે લોકોને હાઉસ એરેસ્ટ કરીને લાખો પડાવતી ગેંગે પોલીસને પણ દોડતી કરી દીધી છે. અત્યાર સુધી આપણે ડિજિટલ એરેસ્ટના અનેક કેસ વિશે સાંભળ્યું, તેની વિવિધ મોડ્સ ઓપરેન્ડી વિશે જાણ્યું. આ બનાવમાં જેમાં એક શખસ નકલી IPS અધિકારી બનીને વડોદરાની શિક્ષિકાને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે.
આ વીડિયોમાં આપણે જોઇશું કે કેવી રીતે ઠગબાજોએ વડોદરાની મહિલાને હાઉસ અરેસ્ટ કરી તેને ટોર્ચર કરી, તેના પતિને ગોળી મારી દેવાની ધમકી આપી અને એક લાખ રૂપિયા પડાવી દીધા. આ મહિલા તેમને વિનંતી કરતી રહી અને સામે આરોપીઓ તેને પોલીસ અને CBI અધિકારીનો દમ મારી પોતાની કરતૂતને અંજામ આપતા રહ્યા. થોડા સમય માટે તમે ઊભા થઇ જાઓ, તમે કમ્પલિટ કેમેરામાં દેખાવા જોઇએ. મોબાઇલ પોટ્રેટ પોઝિશનમાં સેટ કરો અને મોબાઇલ હાથમાં ન રાખો. હું સૌથી પહેલા મારી ઓળખાણ આપું. આઇપીએસ ઓફિસર રાકેશ કુમાર છું. મુંબઇ સાયબર ક્રાઇમ, ઇસ્ટ બ્રાંચ. હવે તમે મને સાંભળી શકતા હશો અને જોઇ પણ શકતા હશો.
તમારો કેસ છે, એ ખૂબ સિરિયસ કેસ છે. સીબીઆઇ ઓફિસર દ્વારા મને આજે આ કેસની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તમે બેસી જાઓ. તમે મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદે પાર્સલ મોકલ્યું છે. તમારા નામથી એક બેંક એકાઉન્ટ પણ છે. જેમાંથી તમે 6.8 મિલિયનની મની લોન્ડરિંગ કરી છે અને હ્રુમન ટ્રાફિકિંગ પણ કરવામાં આવી છે. જેથી સીબીઆઇ આ કેસની તપાસ કરશે. તમે અમને સહકાર આપશો અને આ વાતને ગોપનીય રાખશો. જો તમે નિર્દોષ છો. તો તમને જલદી જ ક્લિયરન્સ લેટર આપી દેવામાં આવશે. અમારા તરફથી તમને તો જ સહકાર મળશે જો તમે અમને સહકાર આપશો. તમને હાયર ઓથોરિટી દ્વારા જે પ્રોટોકોલ આપવામાં આવે તેને તમે ફોલો કરજો. જુઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર અને સીબીઆઇ ઓફિસરને પરમિશન નથી હોતી કે, તેઓ તેઓનો ફેસ રિવીલ કરે. તમારા બધા ડાઉટ ક્લિયર થઇ ગયા હશે.
રીનાબેન: યસ
સાયબર માફિયા: હવે આ કોલ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ટ્રાન્સફર કરવામાં આવે છે. સીબીઆઇ ઓફિસર દ્વારા મને બતાવવામાં આવ્યું છે કે, તમને એક લેટર ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એમાં 99 ટકા રકમ મેન્શન કરવામાં આવી છે. તમે કેટલી રકમ ટ્રાન્સફર કરી શકો છો તે તમે મને જણાવો. રીનાબેન: સર, તમે મને જેટલા ઓછા કરી શકો. મેં સરને કહ્યું હતું કે, મારી મમ્મી મૃત્યુ પામી છે. તેઓ તેમના સેવિંગના રૂપિયા મને આપીને ગયા છે અને હું પણ દર્દી છું. જેથી મારે રોજ 30થી 40 રૂપિયાની દવા લેવી પડે છે. સરે મને કહ્યું છે કે, રૂપિયા રિફંડ થઇ જશે. પરંતુ રૂપિયા પરત આવશે કે નહીં આવે, એ હું જાણતી નથી. મને વિશ્વાસ છે, પણ માઇનસ-પ્લસ ચાલે છે. પ્લીઝ સર તમારા તરફથી જેટલું થઇ શકે તેટલું કરી આપો. હું 5થી 10 હજાર રૂપિયા આપી શકું છું. એનાથી ઓછા કરી શકો તો પણ સારું છે.
સાયબર માફિયા: હું આઇપીએસ ઓફિસર તમારી હાલત જોતા તમારી સર્વેલન્સ અમાઉન્ટ 1 લાખ રૂપિયા ભલામણ કરું છું. બાકીની રકમ અમારા દ્વારા ભરીને સર્વેલન્સ કરી દેવામાં આવશે. તમને ઓફિસર દ્વારા સલાહ આપવામાં આવશે. તમારી પાસે કેટલી રકમ હશે એ હું જાણતો નથી. તમારી પાસેથી માત્ર 1 લાખ રૂપિયા લેવામાં આવશે. પછી આ રકમ ઓટો રિફંડ થઇ જશે. એના માટે તમને ઓફિસર ગાઇડ કરશે. હવે તમારો કોલ ઇન્વેસ્ટિગેશન ઓફિસરને ટ્રાન્સફર કરવામાં આવે છે.
શિક્ષિકાને ડિજિટલ અરેસ્ટ કરી
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલ પ્રથમ રેસિડેન્સીમાં રહેતાં અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં 39 વર્ષીય રીનાબેન ઢેકાણેએ જણાવ્યું હતું કે, મને 24 ઓગસ્ટના રોજ એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામેથી મને કહેવામાં આવ્યું કે, તમારું ફેડેક્સ કુરિયરથી મુંબઇથી થાઇલેન્ડ ગેરકાયદે કુરિયર ગયું છે અને તેમાં એમડી ડ્રગ્સ અને ગેરકાયદે સિમકાર્ડ અને ગેરકાયદે પાસપોર્ટ છે.
મુંબઇ CBI પાસે જવા કહ્યું
જેમાં તેઓએ મને ડોકેટ નંબર પણ આપ્યો હતો અને કહ્યું હતું કે, તમારે તુરંત જ મુંબઇ જવું પડશે અને સીબીઆઇ પાસે જાઓ અને પોતાની જાતને અરેસ્ટ કરાવો. જેથી મેં કહ્યું હતું કે, મેં આવું કોઇ પાર્સલ મોકલ્યું નથી. જેથી સામેથી તેણે મને મારું આધારકાર્ડ નંબર કહી બતાવ્યો હતો. જેથી હું ડરી ગઇ હતી કે, એ વ્યક્તિને મારો આધારકાર્ડ નંબર કેવી રીતે ખબર છે.
મને મુંબઇ જવાનું કહેતા મેં કહ્યું હતું કે, હું અત્યારે મુંબઇ જઇ શકું તેમ નથી, કારણ કે, હું વડોદરામાં રહું છું. જેથી તે વ્યક્તિએ કહ્યું હતું કે, હું તમારો કોલ સાયબર ક્રાઇમમાં ડાઇવર્ટ કરું છું. તમે સાયબર ક્રાઇમ સાથે વાત કરો. ત્યારબાદ તેઓએ કોલ ટ્રાન્સફર કર્યો હતો. ત્યારબાદ ફરી સાયબર ક્રાઇમના નામે એક વ્યક્તિનો મને કોલ આવ્યો અને તેણે મારી સાથે ઇંગ્લિશમાં વાત કરવાનું શરૂ કર્યું હતું. તેની વાત કરવાની સ્ટાઇલ ઉપરથી મને લાગ્યું હતું કે, તે કોઇ જાણીતી હસ્તી છે. એ સમયે મને સામેવાળી વ્યક્તિ ફ્રોડ હોય એવું લાગતું જ નહોતું.
ફાઉન્ડ સસ્પેક્ટનો પોલીસનું સિગ્નલ આપતો અવાજ આવ્યો
ત્યારબાદ એ વ્યક્તિએ મને કહ્યું હતું કે તમે કોલ હોલ્ડ પર રાખો અમે ટ્રેકિંગ કરીને ટ્રેસ કરીએ છીએ કે તમારું આ પાર્સલ ગયું છે તે કાયદેસર છે કે નહીં. ત્યારબાદ ફાઉન્ડ સસ્પેક્ટ એવું પોલીસનું સિગ્નલ આપતો અવાજ પણ આવ્યો હતો. જેથી હું શ્યોર થઇ ગઇ હતી કે મારી સાથે સ્કેમ થયું છે. મને સતત 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ કરી હતી અને મને કહ્યું હતું કે, તમારે ડિસ્કનેક્ટેડ થવાનું નથી અને તમે જે એક્ટિવિટી કરો છો, તેનું અમે તમને હાઉસ અરેસ્ટ કરીને ઓબ્ઝર્વ કરીએ છીએ.
અત્યારે જ પોલીસ ત્યાં આવશે અને તમારા પતિને ગોળી મારશે
આ સમયે મારાં બાળકો સ્કૂલે ગયાં હતાં અને મારા પતિ પણ ગાંધીનગર ગયા હતા. મારાં બાળકો ઘરે આવીને દરવાજો ખખડાવતાં હતાં. તે સમયે એ લોકોએ મને કહ્યું હતું કે, તમે ડિસ્કનેક્ટેડ થતાં નહી. તેમ છતાં મેં 3 વખત વીડિયો કોલ ડિસ્કનેક્ટેડ કર્યો હતો. તેમ છતાં ચોથી વાર મારા પર તેઓનો કોલ આવ્યો હતો અને તેણે મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો અને મને કહ્યું કે, તમને ખબર નથી પડતી, તમે કોલ ડિસ્કેનેક્ટેડ કરો છો. તમે ગેરકાયદે કામ કર્યું છે. અત્યારે જ પોલીસ તમારે ત્યાં આવશે અને તમારા પતિને ગોળી મારી શકે છે. તમે આ વાત કોઇને કરશો નહીં અને પોલીસને પણ કહેશો નહીં. મને કંઇ સમજાતું નહોતું, એકદમ બ્લેન્ક થઇ ગઇ હતી
અમે અમારા તરફથી આ કેસનું સોલ્યુશન લાવીશું. જેથી હું વધારે ડરી ગઇ હતી. જેથી મેં મારા પતિને પણ કોલ કર્યો નહોતો અને 4 કલાક સુધી હું સતત ફોનની સામે જ બેસી રહી હતી. મને એ સમયે લાગતું હતું કે, મને હિપ્નોટાઇઝ કરી નાખી છે. મને કંઇ સમજાતું નહોતું, હું એકદમ બ્લેન્ક થઇ ગઇ હતી. સતત 4 કલાક સુધી હાઉસ અરેસ્ટ રહ્યા બાદ મેં તેમને કહ્યું હતું કે, આગળની પ્રોસિઝર મને કહો. હું હવે વધારે બેસી શકતી નથી. ત્યારબાદ તેઓએ મારી પાસે બેંકની ડિટેઇલ માંગી હતી અને તે વ્યક્તિએ મને કહ્યું હતું કે, હવે હું કોલ અમારા હેડને ટ્રાન્સફર કરું છું. એ તમને જે કહે, તે તમારે ફોલો કરવાનું છે.
એક ડોક્યુમેન્ટ મોકલ્યો જેમાં કેસની માહિતી હતી
ત્યારબાદ તેઓએ સ્કાઇપ પર પણ મારી સાથે વીડિયો ચેટિંગ કર્યું હતું. એ વીડિયો પણ મને શેર કર્યો હતો અને પોલીસના ઓફિશિયલનો પણ ફોટો તેમાં આવતો હતો, જે મારી સાથે વાત કરતો હતો. તેણે મને કહ્યું હતું કે, અત્યારે અમે જે રકમ તમારી પાસેથી લઇએ છીએ, તે અમે 3 કલાક પછી તમને પરત આપી દઇશું. ત્યારબાદ તેણે મને એક ડોક્યુમેન્ટ પણ મોકલ્યો હતો, જેમાં હું જે કેસમાં ફસાઇ ગઇ છું. તેની માહિતી લખેલી હતી. જેથી હું વધારે ડરી ગઇ હતી.
યુપીઆઇ આઇડી શેર કર્યું
એ વ્યક્તિએ મને પૂછ્યું હતું કે, તમે કેટલી રકમ આપી શકો છો. તો મેં કહ્યું હતું કે, મારી મમ્મીએ મને રૂપિયા આપેલા છે અને મારી મેડિસિન માટેની આ રકમ છે. જેથી તે વ્યક્તિએ મને કહ્યું હતું કે, તમે એક લાખ રૂપિયા મને ટ્રાન્સફર કરો. પછી અમે તે રકમ રિફંડ કરી દઇશું. પછી તેમણે મને યુપીઆઇ આઇડી શેર કર્યું હતું. ત્યારે પણ મેં 2 વખત કોલ ડિસ્કનેક્ટેડ કર્યો હતો, પરંતુ ફરી તેમનો સામેથી ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તમે આ વાતને આટલી હળવાશમાં કેમ લો છો, અત્યારે ને અત્યારે તમારે પોલીસ સ્ટેશનમાં આવવું પડશે.
ગૂગલ પેના માધ્યમથી 1 લાખ રૂપિયા પડાવી લીધા
ત્યારબાદ રકમ ટ્રાન્સફર થઈ રહી નહોતી. જેથી તે વ્યક્તિએ મને ગાઇડ કરી હતી તેઓએ મને અલગ-અલગ 3થી 4 યુપીઆઇ આઇડી મોકલ્યા હતા અને ગૂગલ પેના માધ્યમથી 1 લાખ રૂપિયા મારી પાસેથી પડાવી લીધા હતા.
મારી સાથે ફ્રોડ કરનારા 3થી 4 લોકો હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ સ્કેમ માત્ર મારી સાથે જ થયું હોય એવું નથી. તમારા ઉપર પણ જો આવો કોઇ કોલ આવે તો તમે જવાબ ન આપશો. આ પ્રકારના સાયબર ક્રાઇમથી તમે સતર્ક રહેજો. મારી સાથે ફ્રોડ કરનારા 3થી 4 લોકો હતા અને એ લોકો ઇગ્લિશમાં જ વાત કરતા હતા. તેઓ સીબીઆઇ ઓફિસર હોવાની વાત કરતા હતા અને વીડિયો કોલ વખતે પોલીસ ઓફિસર દેખાતા હતા, પરંતુ પછી મને ખબર પડી હતી કે, તે કોઇ પોલીસ ઓફિસર નહોતા. માત્ર પોલીસનો ફોટો જ લગાવેલો હતો.
તેઓ સતત ટોર્ચર અને હેરેસમેન્ટ કરતા હતા
તેઓ મારી સાથે સતત ઇન્ટ્રોગેશન કરતા હતા અને તમે ઊભા થાઓ, બેસી જાઓ અને રડશો નહીં. અમે તમને હાઉસ અરેસ્ટ કરીએ છીએ. તમારે ઘરમાં જ રહેવાનું છે, તમારે કોઇને કોલ કરવાનો નથી અને કોઇનો ફોન રિસીવ પણ કરવાનો નથી. મને તેઓ સતત ટોર્ચર અને હેરેસમેન્ટ કરી રહ્યા હતા. મને સમજાતું જ નહોતું કે, હું શું કરું. એ લોકો જેવું કહેતા હતા, તેમ હું બ્લાઇન્ડલી ફોલો કરી રહી હતી. તેમના કહેવાથી મેં મારી જાતને રૂમમાં લોક કરી દીધી હતી.
3 કલાક પછી રકમ પરત ટ્રાન્સફર કરી દઇશું
મારાં બાળકો સ્કૂલેથી આવતા ઘરનો દરવાજો ખખડાવતાં હતાં કે, મમ્મી અમને ભૂખ લાગી છે. પછી મેં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં બાદ તેઓએ મને કહ્યું હતું કે, તમે તમારાં બાળકોને ખવડાવી દો. 3 કલાક પછી તમારી રકમ તમને પરત ટ્રાન્સફર કરી દઇશું. મેં તેમને કહ્યું હતું કે, આ મારી મમ્મીના રૂપિયા છે, તમે રૂપિયા ન લઇ લો. જેથી સામેથી એક વ્યક્તિએ કહ્યું હતું કે, હું તમને સમજી શકું છું. મારું પણ એક બાળક બ્લડ કેન્સરથી મરી ગયું છે. આવી રીતે મને ઇમોશનલ રીતે બ્લેકમેલ કરી હતી. ત્યારબાદ મે 1930 નંબર પર કોલ કરીને મારી ફરિયાદ કરી હતી. મારા રૂપિયા મને હજી પરત મળ્યા નથી.