છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી ખાતે માનવ કલ્યાણ યોજના હેઠળ 25 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લરની કિટ મળવાની હોય જેની કીટ માટે બે વર્ષ અગાઉ ફેર્મ ભર્યુ હતું.
જેના માટે દોઢ મહિના પહેલા લાભાર્થી મહિલાઓ ઉપર ફોન આવ્યો હતો કે, તમારી કિટ લઈ જાવ. ત્યાર બાદ કહેવામાં આવ્યું હતું કે, કચેરી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હમણાં ના આવશો. કિટ તૂટેલી છે. ત્યાર બાદ બે દિવસ અગાઉ લાભાર્થી મહિલાઓ ઉપર ફોન આવ્યો હતો કે, તમારી કીટ આવીને લઇ જાવ. જે અંગે આજરોજ 25 જેટલી લાભાર્થી મહિલાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે બ્યુટી પાર્લરની કિટ લેવા આવી હતી. તેઓને કિટ બાબતના સહી સિક્કા કરી બે કિલોમીટર દૂર કિટ લેવા કચેરી દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેમ મહિલાઓ જણાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, માનવ કલ્યાણ યોજના હેઠળ ગરીબ અને અતિસામાન્ય પરિસ્થિતિની રેખા નીચે પોતાનું ગુજરાન ચલાવતી મહિલા ઓને કિટ આપવા તો બોલાવી પરતું આપેલી કિટમાં પૂરતી વસ્તુ ન હતી. તેમ જણાઈ આવતા મહિલાઓ દ્વારા જિલ્લા ઉદ્યોગ કચેરીને કિટ પરત કરી દેવાઇ હતી. હોબાળો કર્યો હતો. જ્યારે બ્યુટી પાર્લરની કિટમાં ઘણી પૂરતી વસ્તુઓ ન હોય જેથી મહિલાઓ રોષે ભરાઈ હતી. કિટ કચેરીને પરત કરી દીધી હતી. આ યોજનામાં કોઈ મોટું કૌભાંડ થયુ હોય તેમ લાગી રહ્યું છે. સરકાર તરફ્થી અમોને ન્યાય મળે અને પૂરતી કિટ મળે તેવી માંગણી મહિલાઓ એ કરી છે.
દેશના વડાપ્રધાન સહિત સમગ્ર રાજ્ય સરકાર આદિવાસી અને ગરીબ મહિલાઓને પૂરક રોજગારી મળી રહે તે માટે આંધળો ખર્ચ કરે છે. તથા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકે છે. પરતું ઘણીવાર લાભો મહિલાઓ સુધી પહોંચતા જ નથી. જે ભારે વિચારવા જેવી વાત છે. વિધવા અને નિઃસહાય મહિલાઓ અપૂરતા લાભ તથા સહાયને કારણે આર્થિક વિકાસથી વંચિત રહી જાય છે. પગભર થઈ શકતી નથી. જે અંગે તંત્ર દ્વારા ગંભીરતા પૂર્વક વિચાર કરવામાં આવે તે જરૂરી છે. પરતું દલાતરની વાડી જેવો વહીવટ ચાલતો હોય તો કોનું ભલું થાય છે. જે બાબતે આજરોજ જિલ્લાના દૂર-દૂરના ગામોમાંથી આવેલી મહિલાઓએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અપૂરતી વસ્તુઓ હોવાથી અમે કિટ પરત કરી દીધી
બ્યુટી પાર્લરની કિટ લેવા આવેલી મહિલા લાભાર્થી અલ્પાબેન મહેશ પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા અમોને આ યોજનાના ફેર્મ ભરાવ્યા હતા. જેમાં બ્યુટી પાર્લરની કિટ આપવાની હોય જે માટે અમોને આજરોજ બોલાવ્યા હતા. પરતું આપેલી કિટમાં પૂરતી વસ્તુ ના હોય જેથી અમોએ કીટ પરત કરી દીધી છે. અમોને પૂરતા સાધનો મળે અને ન્યાય મળે તેવી અમારી માગ છે.
કિટ લેવા માટે 2 કિલોમીટર દૂર મોકલાયા
વર્ષાબેન એચ. દેસાઈ બોડેલીના મહિલા લાભાર્થી જણાવી રહ્યા છે કે, બ્યુટી પાર્લરની કિટમાં ઘણી બધી વસ્તુઓ આપવાની હોય જેની જગ્યાએ માત્ર બે કે ત્રણ જ વસ્તુ અપાતી હતી. કિટ લેવા માટે અમોને કચેરીથી બે કિમી દૂર મોકલાયા હતા. અમો બહારગામથી આવતા હોય અવરજવરમાં પણ અમોને ભારે તકલીફ્ પડી હતી.
સરકારના નિયમ પ્રમાણે જ વિતરણ કરાયું છે
છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શક્તિસિંહ ઠાકોરે ટેલિફેનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, લાભાર્થી મહિલાઓને જે સહાય અપાતી હોય છે. એજ કિટનું વિતરણ કરાયું છે. જેમાં કોઈ ઓછું વધતું આપવું એ શક્ય નથી. પરંતુ અન્ય કિટ જોતા અમોને ઓછું આપ્યું તેવો અસંતોષ મહિલાઓમાં ફેલાયો હોય તેમ લાગે છે.
Source link