GUJARAT

Surendranagar: માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલા દીવડા ઘરઆંગણે ઉજાસ પાથરશે

આસો માસની તેરસ એટલે કે, ધનતેરસથી ભાઈબીજ સુધી લોકો પોતાના ઘરના આંગણામાં દીવા પ્રગટાવી પ્રકાશના આ પર્વની ઉજવણી કરે છે.

ત્યારે છેલ્લા 15 કરતા વર્ષથી વઢવાણના વાઘેલા ગામે આવેલી જીવન સ્મૃતી મંદબુધ્ધીના બાળકોની તાલિમી શાળાના બાળકો જાતે કળાત્મક દીવડા બનાવે છે. આ બાળકોના દીવડા થકી લોકો દિવાળી પર્વે આંગણામાં અજવાળુ પાથરે છે. આ અંગે જીવન સ્મૃતી તાલિમી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રીકાબેન આચાર્ય, સ્વપ્નીલભાઈએ જણાવ્યુ કે, શાળામાં 70થી વધુ મંદબુધ્ધીના બાળકો છે. જેઓ માનસીક રીતે દિવ્યાંગ છે. આ બાળકોને શાળાના શિક્ષક મદદનીશ શિક્ષક જયંતીભાઈ વરમોરા, ઉદ્યોગ ટીચર નીતાબેન દવે, સુરેશભાઈ સોનગરા, હીનાબેન સીંધવ દ્વારા દીવડા બનાવવાની તાલીમ અપાઈ છે. જેમાં બાળકો જાતે દીવડા બનાવે છે. જેમાં બાળકોના ગ્રૂપ બનાવી નંખાયા છે. અમુક બાળકો દીવડાને પેઈન્ટીંગ કરે છે. અમુક ડીઝાઈનીંગ, ટીકા લગાવે, બોકસ બનાવે છે. તૈયાર થયેલા દીવડાઓ 1 પેકેટના 80 રૂપિયા લેખે વેચવામાં આવે છે. એક પેકેટમાં 6 દીવડા હોય છે. ચાઈનીઝ દીવડાના જોર સામે લોકો અમારી સંસ્થાના બાળકો દ્વારા તૈયાર થયેલા દીવડાઓ ખરીદે છે. ગત વર્ષે આશરે 1 હજાર પેકેટ દીવડા વેચાયા હતા. જેથી રૂ. 1 લાખથી વધુ રકમની આવક સંસ્થાને થઈ હતી. અમારા બાળકોએ બનાવેલા દીવડા વેચાય તે માટે સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગીક સંસ્થાઓ, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપે છે. હાલ પણ બાળકો દ્વારા દીવડા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે 1,500થી વધુ દીવડાના પેકેટ વેચાય તેવો અમારો લક્ષ્યાંક છે.

મટકી-તુલસી કયારામાં પણ દીવડા બનાવાય છે

માનસીક દિવ્યાંગ બાળકો દ્વારા રેગ્યુલર દીવડા સાથો સાથ આ વર્ષે તુલસીકયારા અને કુંડામાં દીવડા બનાવવાનું આયોજન પણ કરાયુ છે. જેમાં તુલસી કયારામાં દીવડાના 2 નંગના પેકેટના રૂપિયા 30, મટકીના 2 નંગના પેકેટના રૂપિયા 40ના ભાવે વેચવામાં આવે છે. હાલ સાદા દીવડાની સાથે સાથે મટકી અને તુલસીકયારામાં દીવડાનું પણ ચલણ વધ્યુ છે.

છાત્રોએ બનાવેલી ફાઈલો પણ સરકારી કચેરીઓમાં પહોંચે છે

સુરેન્દ્રનગરના વાઘેલા રોડ પર આવેલી સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો દિવાળીના તહેવારને અનુલક્ષીને દિવડાઓ બનાવે છે. જયારે વર્ષ દરમિયાન આ વિદ્યાર્થીઓ ફાઈલો બનાવવાનું પણ કામ કરે છે. શાળાઓ, સ્વૈચ્છીક સંસ્થાઓ, સ્ટેશનરીના વેપારીઓ અને સરકારી કચેરીઓ પણ આ ફાઈલો લઈને સંસ્થાને મદદરૂપ બને છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button