NATIONAL

કાળી ચૌદશે આ ઉપાયો નકારાત્મકતા દૂર કરશે અને જીવન સુખમય બનાવશે

આજે કાળી ચૌદશ છે, જેને નરક ચતુર્દશી તથા રૂપ ચૌદશના નામે પણ ઓળખવામાં આવે છે. નરક ચતુર્દશીના દિવસે નરકાસુરનો વધ કરનાર ભગવાન શ્રીકૃષ્ણ, માતા મહાકાળી, યમ દેવતા અને હનુમાનજીની પૂજા-આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. નરક ચતુર્દશીનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે તેટલું જ મહત્ત્વ જ્યોતિષશાસ્ત્રમાં પણ છે. કાળી ચૌદશના દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે, નજરદોષ સામે રક્ષણ મળે છે.

કાળી ચૌદશે મહાકાળી માતાનું પૂજન વિશેષ ફળદાયક માનવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી જાતકના સંતાપ દૂર થાય છે. નકારાત્મક ઊર્જા, ભૂત-પ્રેત કે બાધાઓમાંથી મુક્તિ મળે છે અને સમસ્ત મનોકામનાઓ સિદ્ધ થાય છે.

કાળી ચૌદશને રૂપ ચૌદશ પણ કહે છે. આ દિવસે સ્નાન કર્યા પછી શ્રીકૃષ્ણનું વિધિવત્ પૂજન કરવામાં આવે તો જાતકને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે. એટલે કે જે સૌંદર્ય હોય તેમાં વૃદ્ધિ થાય છે.

હનુમાનજીને સિંદૂર તથા ચમેલીનું તેલ મેળવીને ચઢાવો. તેમને ચોલો ચઢાવવાથી પણ કષ્ટમાંથી મુક્તિ મળે છે.

એવી માન્યતા છે કે કાળી ચૌદશે માતા લક્ષ્મી તેલમાં નિવાસ કરે છે, તેથી સૂર્યોદય પહેલાં ઊઠીને આખા શરીરે તલના તેલની માલિશ કરવી. ત્યારબાદ અપામાર્ગનાં પાન સ્નાન કરવાના પાણીમાં નાખીને સ્નાન કરવું. આ પ્રયોગના પ્રભાવે આર્થિક તંગી દૂર થશે. સ્નાન કર્યા બાદ દક્ષિણ દિશા તરફ મુખ કરીને હાથ જોડીને ઊભા રહો અને યમરાજને પ્રાર્થના કરો. તેનાથી મૃત્યુના ભયમાંથી મુક્તિ મળશે.

ભગવાન વિષ્ણુને તલ ખૂબ જ પ્રિય હોય છે. એવી માન્યતાઓ છે કે નરક ચતુર્દશીના દિવસે જો તમે ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરો તો તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમારા ઘર-પરિવારમાં ખુશીઓ અને સુખ-શાંતિનું આગમન થાય છે. આ દિવસે પિતૃઓના નિમિત્તે ધાર્મિક સ્થાનમાં તલ અર્પણ કરવા જોઈએ.

કાળી ચૌદશે કાળભૈરવના પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. `ૐ કાલભૈરવાય નમઃ’ મંત્રનો 108 વખત જાપ કરવાથી ભૈરવનાથ જલદી પ્રસન્ન થાય છે. શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરીને આ મંત્રનો જાપ કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. દુઃખ અને દરિદ્રતા નાશ પામે છે.

નોકરી હોય કે ધંધો કામનો તણાવ તો બધાને રહે છે. આવા તણાવ વચ્ચે પણ સખત મહેનત કરવા છતાં નોકરી છૂટી જતી હોય કે ધંધામાં નુકસાન જઈ રહ્યું હોય એવું બને છે. આવું વારંવાર થવાથી તે વ્યક્તિ સહિત તેના ઘરના લોકો પર પણ ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાંથી બહાર નીકળવા માટે કાળી ચૌદશની રાત્રે પીળા કપડામાં કાળી હળદર બાંધી, અગિયાર અભિમંત્રિત ગોમતીચક્ર, ચાંદીના સિક્કા અને અગિયાર અભિમંત્રિત કોડીઓ બાંધીને 108 વખત લક્ષ્મીનારાયણાય નમઃ મંત્રનો જાપ કરીને પૈસા રાખવાની જગ્યાએ મૂકવાથી નોકરી-વેપારમાં પ્રગતિ થાય છે.

પીપળાના વૃક્ષમાં દૂધ, અક્ષત અને કંકુ ચઢાવવાં શુભ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષમાં ત્રિદેવો સહિત બધાં જ દેવી-દેવતાઓનો વાસ થાય છે, તેથી આ ઉપાય કરવાથી બધાં જ દેવી-દેવતાઓની કૃપા તમારા પર વરસશે અને તમને પજવતી તમામ નકારાત્મકતા દૂર થશે.

નરક ચતુર્દશીના દિવસે કપૂર, લવિંગ અને તમાલપત્ર સાથે સળગાવવાં જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે. જેને વારંવાર નજરદોષ લાગતો હોય તો આ ત્રણે વસ્તુ સળગાવીને તે વ્યક્તિ પરથી ચૌદ વખત ઉતારીને વહેતા જળમાં વહાવી દો.

કાળી ચૌદશે યમના નામનો દીવો કરવાની સાથે જ સૂર્યાસ્ત પછી ઘરના દરવાજે 14 દીવા પ્રગટાવીને દક્ષિણ દિશા તરફ તેનું મુખ રહે તે રીતે મૂકવા જોઈએ.

ધનની બરકત માટે જાસૂદના એક ફૂલની સાથે ફટકડીના અમુક ટુકડા ચાંદીની વાટકીમાં રાખો. આ વાટકીને તિજોરીમાં મૂકો. આમ કરવાથી તિજોરીમાં ધન વધવા લાગશે. આ પ્રયોગના પ્રભાવે શુક્ર ગ્રહ પણ મજબૂત થશે.

યમરાજનું તર્પણ કરો

સંધ્યા સમયે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં, કપાળે તિલક કરીને યમદેવતાનું તર્પણ કરવું. આ માટે તાંબાના તાસમાં ગંગાજળ (અથવા નદીનું પવિત્ર જળ)માં કાળા તલ મિશ્રિત કરી હથેળીમાં દર્ભ રાખીને નીચેના મંત્રોથી તર્પણ કરવું.

ૐ ધર્મરાજાય નમઃ

ૐ યમાય નમઃ

ૐ મૃત્યવે નમઃ

ૐ અન્તકાય નમઃ

ૐ વેવસ્તાતાય નમઃ

ૐ કાલાય નમઃ

ૐ સર્બભૂર્તક્ષાય નમઃ

ૐ ઔદુંબરાય નમઃ

ૐ દદનાય નમઃ

ૐ નીલાય નમઃ

ૐ પરમેષ્ટિને નમઃ

ૐ વૃકોદરાય નમઃ

ૐ ચિત્રાય નમઃ

ૐ ચિત્રગુપ્તાય નમઃ


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button