NATIONAL

કાળી ચૌદશ સાથે અનેક રસપ્રદ પૌરાણિક કથાઓ જોડાયેલી છે

મહાકાળી માતાની પૂજા-અર્ચના કરવા માટે કાળી ચૌદશને ઉત્તમ માનવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાનું પ્રાગટ્ય થયું હતું તેવી માન્યતા છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દરેક તહેવારો સાથે કોઇ ને કોઇ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. એમાંથી કાળી ચૌદશ પણ બાકાત નથી. આજે આપણે કાળી ચૌદશ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ કથાઓ જાણીએ.

વામન અવતાર સાથે જોડાયેલી કથા

ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. તેમણે રાજા બલિના મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલાંમાં માપી લીધાં હતાં. એ પછી ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં મૂકે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર મૂકવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવસ્યા સુધી તેણે પૃથ્વી પર શાસન કરવું જોઈએ અને આ સમય દરમિયાન જે કોઈ રાજા બલિના રાજ્યમાં ચતુર્દશીની તિથિએ દીપદાન કરશે, એવા બધા જાતકો અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો નહીં કરવો પડે. ભગવાન વામને રાજા બલિની વાતનો સ્વીકાર કર્યો, ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર ઊજવવામાં આવે છે.

રતિદેવ સાથે જોડાયેલી કથા

પ્રાચીન સમયમાં રતિદેવ નામના રાજા થઇ ગયા, જે ખૂબ જ દાન-પુણ્યનાં કાર્યો કરતા હતા. તેમના નિધન બાદ તેમને યમરાજા લેવા માટે આવ્યા હતા. રતિદેવને જાણ થઈ કે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારે તેને આશ્ચર્ય થયું. તેમણે યમરાજને પ્રશ્ન કર્યો કે મેં આટલાં દાન-પુણ્ય કર્યાં અને કોઈ પણ ખોટું કર્યું નથી છતાં પણ તમે મને નરકમાં શા માટે મોકલી રહ્યા છો? રતિદેવના આ સવાલના જવાબમાં યમરાજે જણાવ્યું કે તેણે એકવાર પૂજારીને તેના ઘરેથી ભૂખ્યા પેટે મોકલ્યો હતો, જેના કારણે તેને નરકમાં લઈ જવામાં આવી રહ્યો છે. રતિદેવે યમરાજ સમક્ષ પ્રાર્થના અને યાચના કરી, વધુ એક જીવન માંગવાની વિનંતી કરી. યમરાજે તેની આ વિંનતી સ્વીકારી અને રતિદેવને પોતાનું જીવન પરત આપ્યું. જીવન જીવનદાનમાં મળ્યા બાદ રતિદેવ સાધુ-સંતને મળ્યા અને તેને નરકમાં ન જવા માટેના ઉપાયો અંગે પૂછ્યું. સાધુ-સંતે મહારાજને નરક ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાની અને ભૂખ્યા પૂજારીને ભોજન કરાવવાની સલાહ આપી. સાધુ-સંતોની સલાહને રતિદેવે અનુસરી, પરિણામે તેમને નરકને બદલે સ્વર્ગની પ્રાપ્તિ થઇ.

કાળી ચૌદશના દિવસે યમરાજને પણ એક દીવો કરવામાં આવે છે, જેને યમદીપક કહે છે. મૃત્યુ ક્યારે થવાનું છે તેની કોઈને જાણકારી હોતી નથી, પરંતુ કોઈ પણ વ્યક્તિ તેનું અકાળે અવસાન ન થાય એટલે યમરાજ સમક્ષ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરે છે. આમ, કાળી ચૌદશના દિવસ સાથે આ સિવાય પણ અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે.

નરકાસુરના વધની કથા

એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. નરકાસુર પાસે અલૌકિક શક્તિઓ હતી, તેથી એની સાથે લડવું કોઈના વશમાં નહોતું. નરકાસુરનો ત્રાસ વધી જતાં બધા દેવો ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા હતા. દેવતાઓની હાલત જોઈને શ્રીકૃષ્ણ તેમની મદદ કરવા તૈયાર થઈ ગયા હતા. બીજી કથામાં નરકાસુરે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ આ દિવસે જ એટલે કે કાળી ચૌદશે કર્યો હતો. અન્ય એક કથા અનુસાર નરકાસુરને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત થયેલું હતું કે તે માત્ર સ્ત્રીના હાથથી જ મૃત્યુ પામશે, જેથી નરકાસુરનો વધ શ્રીકૃષ્ણએ તેમનાં પત્ની સત્યભામા સાથે મળીને કર્યો હતો. તેથી આ દિવસને નરકા ચતુર્દશી અથવા નરક ચતુર્દશી પણ કહેવામાં આવે છે. આ કન્યાઓને કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણે માત્ર સામાજિક દરજ્જો આપવા માટે તમામ સાથે વિવાહ કર્યા હતા. તેથી ભગવાન શ્રીકૃષ્ણની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળમાં સ્નાન કરો તો યમલોકનાં દર્શન કરવાં પડતાં નથી. અન્ય એક દંતકથા અનુસાર આ રાક્ષસ મહાકાલીના હાથે હણાયો હતો, તેથી આ દિવસ પશ્ચિમ બંગાળમાં ખૂબ ધૂમધામથી ઊજવવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button