GUJARAT

Ahmedabad: ખોખરામાં થયેલી હત્યા મામલે પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં શહેરના શાહીબાગ તેમજ ખોખરા વિસ્તારમાં બે અલગ અલગ હત્યાના બનાવો બન્યા હતા. આ કેસમાં ખોખરા પોલીસે યુવકની હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ઝઘડાની અદાવતમાં કરાઈ હત્યા

પોલીસે મેહુલ મકવાણા, દીપક નામના આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે, આ સાથે જ પપ્પુ મરાઠી અને પિયુષ મરાઠીની હત્યાના ગુનામાં ધરપકડ કરાઈ છે. આ ચારેય આરોપીઓ અને તેમના મિત્રો વચ્ચે જૂની અદાવતને લઈને માથાકૂટ થઈ હતી, જે નવા વર્ષના દિવસે જ લોહિયાળ બની હતી. જેમાં એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 2 માસ પહેલા ખોખરાની જયંતિ વકીલની ચાલી પાસે સૂચિત મરાઠી અને પિયુષ મરાઠી એક રિક્ષા ચાલક સાથે ઝઘડો કરી રહ્યા હતા અને માર મારી રહ્યા હતા, ત્યારે જ મેહુલ મકવાણા અને અજય મકવાણાએ વચ્ચે પડી ઝઘડો ન કરવા કહ્યું હતું.

ત્યારે સૂચિત મરાઠી અને પિયુષ મરાઠી રિક્ષા ચાલક સાથે ઝઘડો બંધ કરીને મેહુલ મકવાણા અને અજય મકવાણા સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. તે સમયે અજય અને મેહુલે તેના અન્ય મિત્રોને બોલાવી પિયુષ અને સૂચિતને માર માર્યો હતો. આ ઘટના બાદ પિયુષ અને સૂચિત ત્યાંથી જીવ બચાવી ભાગી ગયા હતા. જો કે જૂની અદાવતનો બદલો બંનેએ નવા વર્ષમાં અજયની હત્યા કરીને લઈ લીધો હતો.

સૂચિત મરાઠીને પણ માથાના ભાગે પાઈપ વાગતા ગંભીર ઈજા થઈ

1 નવેમ્બરે અજ્ય અને મેહુલ ખોખરા સર્કલ પાસે કપડાની ખરીદી કરવા માટે ગયા હતા. જોગાનુજોગ એ જ સમયે સૂચિત અને પિયુષ પણ કપડાની ખરીદી ત્યાં પહોંચ્યા હતા. બંન્ને દુશ્મનોએ એકબીજાને જોઈને જૂની અદાવત યાદ આવી ગઈ હતી. જેમાં સૂચિત અને પિયુષ અદાવતનો બદલો લેવા ઘાતક હથિયારો લેવા તેમના ઘરે ગયા હતા. હથિયાર લઈને આવ્યા બાદ તેમણે જયંતિ વકીલની ચાલી પાસે જ મેહુલ અને અજયને રોકી તેમની સાથે મારામારી કરી હતી. મારામારી ઉગ્ર બનતા બંને પક્ષોના મિત્રો અને સંબંધીઓ આ ઝઘડામાં વચ્ચે પડયા હતા. આ ઘટનામાં અજયને છાતી અને માથાના ભાગે તલવાર અને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને સૂચિત મરાઠીને પણ માથાના ભાગે પાઈપ વાગતા ગંભીર ઈજા થઈ હતી, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની જાણ ખોખરા પોલીસને થતા બંને પક્ષે સામે સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલો યુવક મોતને ભેટ્યો

ત્યારે ખોખરા પોલીસે મૃતક અજય મકવાણા, મેહુલ મકવાણા, દીપક અને જનક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં મેહુલ મકવાણા અને દીપકની ધરપકડ કરી છે. ત્યારે ખોખરા પોલીસે બીજા પક્ષે સૂચિત મરાઠી, પપ્પુ મરાઠી, સિધ્ધુ મરાઠી અને પિયુષ મરાઠી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે, જે મામલે પણ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પપ્પુ મરાઠી અને પિયુષ મરાઠીનો સમાવેશ થવા પામ્યો છે. જોકે આખરે અન્ય કોઈ વ્યક્તિ ઝઘડામાં મામલો શાંત કરાવવા વચ્ચે પડેલા અજય મકવાણાને આ સમગ્ર ઘટનામાં મોતને ભેટવાનો વારો આવ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button