ચોટીલા તળેટી પાસે દુકાન ધરાવતા મંદિરના પુજારી પાસે મિત્રને વ્યાજે આપેલા રૂપિયા વ્યાજ સાથે રૂ. 40 લાખની ઉઘરાણી કરી વ્યાજખોરોએ કારમાં અપહરણ કરી વીડમાં લઈ જઈ મારમારી મોટાભાઈને ફોન કરાવી અત્યારે રૂ. 10 લાખ આપો નહીંતર પતાવી દેવાની ધમકી આપી તાત્કાલિક રૂ. 10 લાખનો હવાલો લઈ કઢાવ્યા બાદ પુજારીને મુક્ત કરી દીધા હતા.
આ બાબતની પૂજારીએ એક અજાણ્યા શખ્સ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા તળેટી પાસે દુકાન ધરવતા અને ચામુંડા મંદિરની સેવા પૂજા કરતા ગૌતમગીરી ઉર્ફે ગોપી મારાજ ઘનશ્યામગીરી ગોસાઈએ વચ્ચે રહીને મિત્ર વિરભદ્રસિહ ચૌહાણને યુવરાજભાઈ જગુભાઈ ખાચર પાસેથી રૂ. 1.5 લાખ 12.5 % વ્યાજે અપાવ્યા હતા. જે રૂપિયા પરત નહીં કરતા યુવરાજભાઈએ પુજારી પાસે રૂ. 18 લાખ વ્યાજ સાથે ચૂકવવાના થાય છે. જેની ઉઘરાણી શરુ કરી હતી. ત્યારબાદ બે દિવસ પહેલા ચાલીસ લાખ આપવાનું ફોનમાં જણાવતા પૂજારીએ રૂબરૂ વાત કરી લઈશું એમ જણાવ્યું હતું. એવામાં યુવરાજભાઈ જગુભાઈ ખાચર રહે.કુંઢડા, સત્યરાજભાઈ જગુભાઈ ખાચર રહે. કુંઢડા, હરેશ દનકુભાઈ જલુ રહે. થાનગઢ અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર લોકો બે કારમાં ધસી આવી માર મારી દુકાનેથી અપહરણ કરી કુંઢડા ગામના પાટિયા પાસેથી વીડમાં લઈ જઈ કોઈની વાડીએ લઈ ગયા હતા. જ્યાં પાઈપ વડે માર મારી છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી પુજારીના મોટાભાઈ સચિનગીરીને ફોન કરી અત્યારે રૂ. 10 લાખ આપો બાકીના પછી સમજશું. નહીં આપો તો લાશના ટુકડા મળશે એવું જણાવી તાત્કાલિક 10 લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.પરંતુ પુજારી પરિવાર પાસે 10 લાખની વ્યવસ્થા થાય એમ નહીં હોવાથી ચોટીલા કોઠારી શેરી વાળા હરેશભાઈ ભગુભાઈ કાઠી દરબાર પાસે ઉછીના લઈ અપહરણ કરી લઈ ગયેલ શખ્સો સાથે વાત કરાવતા પુજારીને દોઢ કલાક કારમાં ફેરવી મુક્ત કરી દીધા હતા.ઘેર આવી ગૌતમગિરિએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં યુવરાજભાઈ જગુભાઈ ખાચર રહે.કુંઢડા, સત્યરાજભાઈ જગુભાઈ ખાચર રહે. કુંઢડા, હરેશ દનકુભાઈ જલુ રહે. થાનગઢ અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બાબતની આગળની તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.
મિત્રને મદદ કરવા જતા ધરમ કરતાં ધાડ પડી
મંદિરના પુજારી પોતાના મિત્રને રૂપિયાની જરૂર હોઈ વચ્ચે રહ્યા હતા અને મિત્રએ રૂપિયા નહીં આપતા વ્યાજખોરોએ મિત્રની જગ્યાએ પુજારીને માર મારી અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી પરિવાર પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લીધા આમ પુજારીને તો ધરમ કરતા ધાડ પડયા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
રૂ. 1.50 લાખ વ્યાજે આપી ઉઘરાણી રૂ. 40 લાખની..!
વ્યાજખોરોએ માત્ર 1.5 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા જેની પ્રથમ રૂ. 18 લાખ અને થોડા સમય બાદ સીધી 40 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી અને એ પણ માર મારી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ. 10 લાખ તો પડાવી પણ લીધા હતા.
Source link