સાતમી નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરાશે, અમદાવાદ સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ (જીસીઆરઆઈ) ખાતે દર્દીઓની સાથે આવતા સ્વજન-સગા માટે વિના મૂલ્યે કેન્સરની સ્ક્રીનિંગ ફેસેલિટી ઊભી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 36,439 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન કુલ 55 વ્યક્તિને કેન્સર હોવાનું નિદાન થયું છે, આમાં મોટા ભાગના એવા છે જેમને કોઈ જાતની તકલીફ કે લક્ષણો નહોતા. 55 દર્દીમાંથી સ્ટેજ -4 વાળા 22, સ્ટેજ-3 વાળા 15, સ્ટેજ-2માં 14 અને સ્ટેજ-1 ઉપર કેન્સર હોય તેવા 4 દર્દી નોંધાયા છે.
સિવિલની કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શશાંક પંડયા અને ડો. આનંદ શાહે જણાવ્યું હતું કે, કેન્સરનું જો વહેલા નિદાન થાય તો આ બીમારી સામેનો જંગ જીતી શકાય છે, આ વિશેષ ઓપીડીમાં બે વર્ષ કરતાં વધુ સમયમાં અત્યાર સુધીમાં 36,439 દર્દીને તપાસવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે, 55 પૈકી 21 બ્રેસ્ટ કેન્સરના જ્યારે 33 મોંના કેન્સરના કેસ હોવાનું નિદાન થયું હતું. બ્રેસ્ટ કેન્સરના 21 કેસમાંથી 11 બીજા સ્ટેજે, 6 ત્રીજા અને 3 ચોથા સ્ટેજે હતા, મોંના કેન્સરમાં કુલ 33 કેસ આવ્યા, જેમાંથી 19 કેસ ચોથા સ્ટેજે, 8 ત્રીજા, બીજા અને પહેલા સ્ટેજે 1-1 કેસ આવ્યા છે. આ વિશેષ ઓપીડીમાં 1,227 મહિલાઓની મેમોગ્રાફી કરવામાં આવી હતી, 2500થી વધુ વ્યક્તિને લ્યુકોપ્લાકિયા, એરિથ્રોપ્લાકિયા અને સર્વાઈકલ ચેપ જેવી પૂર્વ કેન્સરની પરિસ્થિતિ સાથે ઓળખવામાં આવ્યા હતા.
તબીબોનું કહેવું છે કે, ગુજરાતમાં દર વર્ષે વિવિધ પ્રકારના કેન્સરના 69 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે 38 હજાર જેટલા દર્દીનાં મોત થઈ રહ્યા છે, અમદાવાદમાં જ પ હજારથી વધુ કેસમાંથી 2067 જેટલા દર્દીના વર્ષે મોત થઈ રહ્યા છે. કેન્સરની બીમારીમાં તમાકુ સંબંધિત કેન્સરના જ 43 ટકા જેટલા કેસ સામે આવ્યા છે.
મહિલાઓએ જોખમ ઘટાડવા શું કરવું જોઈએ
બહેનોએ માસિક ચક્રના પાંચમા દિવસ પછી સ્તનની જાત તપાસ કરવી જોઈએ
જરૂર જણાય તો ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરાવવું
40 વર્ષ પછી દર વર્ષે સ્તનનો એક્સ-રે -મેમોગ્રાફી કરાવવો જોઈએ
અવાજમાં ફેરફાર, ઊંઘ અને વજન ઘટે તો હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ
મોંમાં ઘાવ, લાંબા સમયથી ખાંસી, અવાજમાં ફેરફાર, ઊંઘ અને વજનમાં ઘટાડો થતો હોય તો આવા લક્ષણોની અવગણના કરવી ના જોઈએ. મોંની સ્વચ્છતા, દાંતમાં ચેપ, તીક્ષ્ણ દાંત, જિનેટિક પરિબળો પણ જવાબદાર મનાય છે.
Source link