ભારતીય રેલવેએ તેનાં અત્યાર સુધીનાં ઈતિહાસમાં એક જ દિવસમાં 3 કરોડથી વધુ પ્રવાસીઓને મુસાફરી કરાવવાનો નવો રેકોર્ડ સર્જ્યો છે. 4 નવેમ્બર 2024નાં રોજ એક જ દિવસે રેલવે ટ્રેનોમાં 3 કરોડથી વધુ લોકોએ મુસાફરી કરી હતી.
જે રેલવે નેટવર્કનાં ઈતિહાસમાં એક જ દિવસમાં સૌથી વધારે પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનો નવો રેકોર્ડ છે. ખાસ કરીને દુર્ગા પુજા, દીવાળી અને છઠ્ઠ પુજાને કારણે રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં અસાધારણ વધારો થયો હતો. 4 નવેમ્બરે રેલવે દ્વારા 120.72 લાખ નોન સબર્બન પ્રવાસીઓને મુસાફરી કરાવી હતી જેમાં 19.43 લાખ રિઝર્વ્ડ પ્રવાસીઓ અને 101.29 લાખ બિનરિઝર્વડ નોન સબર્બન પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 4 નવેમ્બરે 180 લાખ સબર્બન પ્રવાસીઓએ રેલવેમાં મુસાફરી કરી હતી. જે એક જ દિવસમાં ટ્રાફિકનો સૌથી ઐતિહાસિક રેકોર્ડ છે.
1 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે વિક્રમજનક 65 લાખ પ્રવાસીઓ દ્વારા મુસાફરી
તહેવારોની મોસમમાં 1 ઓકટોબરથી 5 નવેમ્બર વચ્ચે રેલવેમાં 65 લાખ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. રેલવેએ આ 36 દિવસમાં 4521 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી. જેને કારણે લોકોદુર્ગા પુજા, દીવાળી અને છઠ્ઠ પુજા વખતે સરળતાથી પ્રવાસ કરી શક્યા હતા. 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર વચ્ચે રેલવેએ 7724 સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી. જે ગયા વર્ષની સરખામણીમાં 73 ટકાનો વધારો દર્શાવે છે. રેલવે દ્વારા છેલ્લા 4 વર્ષમાં દરરોજ સરેરાશ 175 સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવી હતી.
બિહાર, યુપી અને ઝારખંડ માટે સૌથી વધુ મુસાફરો
1 નવેમ્બરથી 5 નવેમ્બર વચ્ચે રેલવેએ બિહાર, પૂર્વ યુપી અને ઝારખંડ જતા સૌથી વધુ 6.85 કરોડ મુસાફરોને પ્રવાસ કરાવ્યો હતો. આ સંખ્યા ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની વસ્તી કરતા બે ગણી વધારે છે. 8 નવેમ્બરથી છઠ્ઠ પુજાનાં અંત પછી આ પ્રવાસીઓ રિટર્ન પ્રવાસ કરે તેવી શક્યતા છે. સ્થાનિક માંગને ધ્યાનમાં લઈને રેલવેએ આ દિવસોમાં સમસ્તીપુર અને દાનાપુર ડીવીઝનમાં 164 ખાસ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. રેલવેએ 9 નવેમ્બરે ખાસ 160 ટ્રેનો, 10મીએ 161 ખાસ ટ્રેનો અને 11મીએ 155 ખાસ ટ્રેનો દોડાવવા આયોજન કર્યું છે.
Source link