ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની હરાજી આજથી શરૂ કરવામાં આવી છે. હરાજી શરૂ થતાં કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા હતા અને માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ
છેલ્લા કેટલાક વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી આપવામાં ખેડૂતો નીરસ હોય તેવું લાગી રહ્યું હતું પણ આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધું જાહેર કરતા ટેકાના ભાવે મગફળીની આજે હરાજી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાને લઈ ખેડૂતોને મેસેજ કર્યા હતા.
6 કેન્દ્રમાં 4000 ખેડૂતોએ ટેકાના ભાવે રજી્ટ્રેશન કરાવ્યું
જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા. જેની હરાજી કોડીનાર તાલુકાના સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરાઈ હતી. બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના-ગીર ગઢડા, આમ 6 કેન્દ્રોમાં 4000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણીમાં બહુ જ ઓછું કહેવાય છે.
જિલ્લામાં 65,000થી 70,000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું
કારણ કે જિલ્લામાં અંદાજે 65000થી 70000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું છે અને રજીસ્ટ્રેશન માત્ર 4,000 ખેડૂતોએ કરાવ્યું છે, જોકે કોડીનાર ખાતે પણ ટેકાના ભાવે મગફળી લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1,356 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 900થી 1200 રૂપિયા સુધીના ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે, જેની સામે ટેકાના ભાવમાં ખેડૂતોને 200 રૂપિયાનો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
Source link