વિરમગામ શહેરમાં રામજી મંદિર દ્વારા પવિત્ર તુલસી વિવાહ પ્રસંગનું કારતક સુદ બાર બુધવારના રોજ આયોજન કરાયુ છે. ત્યારે ભગવાન શ્રી શાલિગ્રામ વિષ્ણુજીના વર પક્ષે ડૉ. પ્રકાશ શ્રીગોપાલજી સારડા અને માતા ભગવતી તુલસીવૃંદાના કન્યા પક્ષે અમિતભાઈ દશરથભાઈ પરીખ પરિવારે લાભ મેળવી શહેરમાં તુલસી વિવાહ માટે ચાર દિવસ મહોત્સવનું આયોજન કરાઇ ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ગત રવિવારે રામજી મંદિરથી સાંજે ઠાકોરજી અને તુલસીમાતાનું વાજતે ગાજતે યજમાનોની નિવાસે આગમન સાથે ચાંદલા વિધિ કરાઇ હતી. સોમવારે મહેંદી રસમ સાથે રાત્રે પટેલ સોસાયટીમાં આગ્રાથી બોલાવવામાં આવેલા વૈષ્ણવ સંપ્રદાયના કલાકારોએ ભગવાનની ઝાંખી સાથે જાગરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકારોએ ભક્તિમય શિવ પાર્વતી લગ્ન, મહાકાલ પ્રસ્તુતિ, હનુમાનજી પાત્ર, મહાકાળી માતાજી સહિતની વિવિધ પ્રસ્તુતિ કરીને અનોખું ભક્તિનું વાતાવરણ સર્જી શહેરીજનોના મન મોહી લીધા હતા. મંગળવારે સવારે ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત, હલદીની રસમ તેમજ રાત્રે રાસ ગરબાની રમઝટ જામી હતી. બુધવારે રામજી મંદિર પરકોટા વિસ્તારમાં ગણેશ સ્થાપન, મંડપ મુહુર્ત સાથે શુભ ચોઘડિયે મામેરા ભરવામાં આવશે. બપોરે બે કલાકે યજમાનોના નિવાસથી વરઘોડો લગ્ન સ્થળ રામજી મંદિર ખાતે પહોંચશે અને રાત્રે 7:30 કલાકે હસ્ત મેળાપનો પ્રસંગ ઉજવાશે.
Source link