ભારતીય નૌકાદળ 4 ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી કરવા જઈ રહી છે. આ અવસરે ભારતીય નૌકાદળ 4 ડિસેમ્બરે ઓડિશાના પુરીના બ્લુ ફ્લેગ બીચ પર શક્તિ પ્રદર્શન યોજવા જઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં મિગ-29K અને LCA સહિત 40 એરક્રાફ્ટ અને 25 યુદ્ધ જહાજો સામેલ કરવામાં આવશે. આ શક્તિ પ્રદર્શનમાં ભારતીય નૌકાદળની દરિયાઈ શક્તિ અને પરિચાલન ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. ગયા શનિવારે જ આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ અને રક્ષા મંત્રી કાર્યક્રમમાં રહેશે હાજર
આ કાર્યક્રમમાં શાનદાર પરેડનું પણ આયોજન કરવામાં આવશે. આ ખાસ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાજ્યપાલ રઘુબર દાસ, મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને ભારતીય નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ સહિત ઘણા મોટા લોકો સામેલ થશે અને સેનાને પ્રોત્સાહિત કરશે.
કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે
આ કાર્યક્રમ માટે ભારતીય નૌકાદળની તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગયા શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઓડિશાના પોલીસ મહાનિર્દેશક વાય.બી. ખુરાનિયાએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યો છે કે ઈવેન્ટ સારી રીતે યોજાય. તેમણે રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટીતંત્ર અને નૌકાદળ વચ્ચે સહકારની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ભારતીય નૌકાદળની ક્ષમતાઓનું પ્રદર્શન
આ પ્રથમ વખત બનશે કે ભારતીય નૌકાદળ ઓડિશામાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરશે, જેમાં સામાન્ય લોકોને અત્યાધુનિક યુદ્ધ જહાજો અને વિમાન તેમજ કમાન્ડોના પ્રદર્શનને જોવાની એક તક મળશે. જેને જોઈને દરેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કયા જોઈ શકશો આ કાર્યક્રમ?
આ કાર્યક્રમ નૌકાદળની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે અને નાગરિકોમાં દરિયાઈ જાગરૂકતા પણ વધારશે. પુરીને થોડાં વર્ષો પહેલાં પ્રમાણપત્ર મળ્યું હતું. ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, તે કાર્યક્રમના સારા સંચાલનની ખાતરી કરવા માટે ઓડિશા સરકાર અને સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. આ કાર્યક્રમનું રાષ્ટ્રીય ટેલિવિઝન પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સાથે જ વધુમાં વધુ દર્શકો સુધી પહોંચવા માટે તે ભારતીય નૌકાદળની યુટ્યુબ ચેનલ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવશે, જેથી લોકો આ ખાસ ઈવેન્ટને જોઈ શકે.