પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ખોટી રીતે લાભ લઈ સ્વસ્થ હોય તેવા દર્દીના ઓપરેશન કરી સરકારના કરોડો રૂપિયા ચાંઉ કરનાર ખ્યાતી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સંચાલક એવા ભૂમાફિયા કાર્તિક આણી મંડળીનું સાંતેજની અબજો રૂપિયાની જમીન પચાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે.
કાર્તિકે અબજો રૂપિયાની જમીન પચાવવા માટે કઈ રીતે પગદંડો જમાવ્યો તેનો કાળો ચિઠ્ઠો બહાર આવ્યો છે. આ મામલે આરોપી સામે લેન્ડગ્રેબીંગની અરજીની તપાસ ચાલી રહ્યાની વિગતો જાણવા મળી છે. કાર્તિક આણી મંડળીએ પાર્ક લેન્ડ કો.ઓ.હા.સો.ની જમીનમાં પગદંડો જમાવ્યા બાદ મૂળ સભાસદોના પ્લોટના ક્ષેત્રફળમાં 60 ટકા જમીન અને સોસાયટીની રોડ રસ્તાની 20 ટકા જમીન પડાવી લીધાના આક્ષેપો થઈ રહ્યા છે. સાંતેજમાં આવેલી ધી પાર્કલેન્ડ એવન્યુ કો.ઓ.હા.સોની 1982માં રચના કરી 5.85,000 ચો.વાર જમીન પર 585 સભાસદોને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. સભાસદ દીઠ જગ્યાના કપાત બાદ 800 થી એક હજાર ચો.વારના પ્લોટ હતા. આ સોસાયટીના જૂના ચેરમેન સેક્રેટરી દ્વારા 1982 થી લગભગ 2010 સુધી પ્રોપર સંચાલન કરાયુ હતુ. . દરમિયાન આ સોસાયટીમાં અચાનક ખ્યાતી ગ્રૂપના કાર્તિક પટેલ આણી મંડળીની એન્ટ્રી થઈ હતી. સોસાયટીની મંડળીના સભ્ય એવા કંકેશરાય પ્રમોદરાય ભટ્ટના જણાવ્યા મુજબ કાર્તિક જશુભાઈ પટેલ અને તેના મળતિયાઓએ એન્ટ્રી લીધા બાદ સોસાયટીના રોડ રસ્તાની દીશા ફરી ગઈ હતી. જૂના સભ્યો કયારેક સોસાયટીમાં આવતા ત્યારે પ્લોટ જોઈને જતા રહેતા હતો. જો કે, કાર્તિક અને તેના મળતિયાઓ સોસાયટીની સકલ ફેરવી નાંખી તેમજ રોડ અને ગેટ બનાવી ઝાડ રોપી લોકોને આંજવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે પુરતા સભાસદો હોવા છતાં કાર્તિક આણી મંડળીએ નવા લોકોને પ્લોટ વેચવાનું શરૂ કર્યું હતું. આ પ્લોટ સોસાયટીની 20 ટકામાંથી વેચવામાં આવ્યાની વિગતો મળી છે. આ રીતે નવા સભાસદોને પ્લોટ વેચ્યા પણ તેના દસ્તાવેજ તેઓએ કરી આપ્યા નથી.
આમ, કાર્તિક સહિતના લોકોએ કપાતની જગ્યાનો ઉપયોગ લોકોને પ્લોટ બનાવી વેચાણ માટે થયો તેમજ મૂળ સભાસદોના પ્લોટમાં 60 ટકા જેટલી કપાત કરી હજાર વારનો પ્લોટ હોય તેઓને 400 વારનો પ્લોટ ફાળવી દાદાગીરી શરૂ કરી હતી. અમુક સભાસદોને કોર્ટમાં કેસ હોવાનું, નવી શરતની જમીન હોવાથી કઈ થાય તેમ ન હોવાનું પ્લોટ ખરીદી પણ લીધા હતા. આ રીતે કાર્તિક સહિતના લોકોએ સોસાયટીમાં મનફાવે તેમ નિર્ણયો લઈને જમીન હડપી લીધી હતી. આ રીતે 1.10 લાખ ચો.વાર જમીન આ લોકોએ હડપી લીધાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. કાર્તિક આણી મંડળીના આ જમીન કૌભાંડમાં સરકારી અધિકારીઓ પણ મળેલા હોવાની વિગતો બહાર આવી છે. આ કૌભાંડની મૂળ સુધી તપાસ થાય તો ઘણા મોટા માથાઓ પણ કાર્તિકના કાળા કારનામામાં સામેલ હોવાની વિગતો બહાર આવી શકે તેમ ભોગ બનનાર જણાવી રહ્યા છે. આ મામલે અનેક અરજીઓ અને રજૂઆતો થયા બાદ કોઈ કાર્યવાહી થતી ન હતી. જો કે, પ્રધાનમંત્રી કાર્યાલરને મેઈલ કરી ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કાર્તિક આણી મંડળીએ ધી પાર્કલેન્ડ એવન્યુ સોસાયટીની જમીનમાં પ્લોટ ધરાવતા જૂના સભ્યોએ ફરિયાદો કરવાનું શરૂ કરતા જગ્યાનું વિભાજ કરવાની અરજી આપી હતી. આ અરજી ના મંજૂર થઈ હોવા છતાં પણ કોઈ પણ રીતે ખ્યાતી ગ્રૂપના જૂદા જૂદા નામે દસ જેટલી સોસાયટીમાં જગ્યાનું વિભાજન કરી નાંખ્યું હતું. આ ઉપરાંત સોસાયટીની મિટીંગમાં સભ્યો હાજર ના હોય તેઓને પણ હાજર બતાવી તેમની ખોટી સહીઓ કરી ઠરાવો પાસ કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા છે.
Source link