ખેડૂતો અને પશુપાલકોને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અમિત ચાવડાએ પ્રહારો કરતા કહ્યું કે સરકારની નીતિ-નિયતથી ખેડૂતો બરબાદ થયા છે. ખેડૂત અને ખેતીનું મોટું યોગદાન GDPમાં રહ્યું છે પણ ગુજરાતમાં સૌથી મોટું ભ્રષ્ટ મહેસૂલ ખાતુ છે.
કોંગ્રેસ રોડ પર આવીને સરકારનો વિરોધ કરશે: અમિત ચાવડા
વધુમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે સરકાર એવા સુધારા કરે છે, જેનાથી ખોટું કરનારાઓને મોકળું મેદાન મળે છે. સરકાર એવો નિણર્ય લેવા જઈ રહી છે કે બિન ખેડૂત પણ ખેતીની જમીન ખરીદી શકે, તેના કારણએ રાજ્યમાં ખેતીની જમીન ઓછી થશે અને જમીન ઓછી થશે તો ઉત્પાદન પણ ઓછું થશે. સરકાર આવા નિર્ણયો લે તે પહેલા લોકો અને અન્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કરે તે જરૂરી છે. જો સરકાર આવા નિર્ણયો લેશે તો કોંગ્રેસ રોડ પર આવીને વિરોધ કરશે અને લડત ચલાવશે.
રાજ્યના 12,000 જેટલા ગામમાં જમીન માપણીમાં લોચા: અમિત ચાવડા
અમિત ચાવડાએ કહ્યું કે હાલ સરકાર ખેડૂતોની જમીન નોંધણી કરાવે છે પણ 12 હજાર જેટલા ગામોમાં જમીન માપણીમાં લોચા છે, અનેક વાંધા અરજીઓ પડી છે. આવા સમયે રજિસ્ટ્રેશન થાય તો ખોટી માહિતી નોંધાશે, ત્યારે જરૂરી છે કે જમીનોની ફરી માપણી ના થાય ત્યાં સુધી રજિસ્ટ્રેશન કરવામાં ના આવે અને પહેલા જમીન માપણી થાય પછી નોંધણીની કામગીરી કરવામાં આવે.
નેનો યુરિયાને લઈ અમિત ચાવડાએ શું કહ્યું?
બીજી તરફ નેનો યુરિયાને લઈ અમિત ચાવડાએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે નેનો યુરિયા લેવા લોકો પર દબાણ કરવામાં આવી રહ્યું છે. ખાતર માટે કાળાબજારી થાય છે. ખાલી પરિપત્રો કરવામાં આવે છે, સાચા અર્થમાં ખાતર આપો. નેનો યુરિયાનું વેચાણ ફરજિયાત રદ કરવું જોઈએ. આ સાથે જ રેશનકાર્ડમાં KYC પર પણ અમિત ચાવડાએ કહ્યું કે સરકાર દ્વારા તઘલખી નિર્ણયો લેવામાં આવે છે. પ્રજાને ભગવાન ભરોસે છોડીને સરકારના લોકો રાજકીય કાર્યક્રમમાં વ્યસ્ત છે. સરકાર લોકોને હેરાન કરવા સિવાય કંઈ કરતી નથી.
Source link