સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ રાજ્યમાં એક્ટિવ મોડ પર કામ કરી રહી છે અને મોટી મોટી ગુનાખોરીની પ્રવૃતિ અને આ પ્રવૃતિ કરનારા લોકોને ઝડપી રહી છે. ત્યારે સુરત જિલ્લામાં પણ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે અને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
57 લાખના દારુ સહિત 78 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત જિલ્લામાં SMCની ટીમે દરોડા પાડીને નેશનલ હાઈવે 48 પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. માંગરોળના નંદાવ પાટિયા પાસે ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવાતો હતો, જેને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે. SMCની ટીમે ટ્રકને ઉભી રાખીને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે કમ્પોઝડ ખાતરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ દારુનો જથ્થો દમણથી જૂનાગઢ લઈ જવામાં આવી રહ્યો હતો અને SMCએ 57 લાખ રૂપિયાથી વધુનો દારૂનો જથ્થો, ટ્રક, કમ્પોઝડ ખાતર કૂલ મળીને રૂપિયા 78 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગઈકાલે સુરેન્દ્રનગરમાં પણ SMCની ટીમે દરોડા પાડ્યા હતા
ગઈકાલે પણ SMCની ટીમે સુરેન્દ્રનગરના પાટડીમાં દરોડા પાડ્યા હતા અને જુગાર ધામ ઝડપ્યું હતું. SMCની રેડમાં 25 જુગારીઓ ઝડપાયા હતા, જેમાં 5 મહિલાઓ પણ સામેલ હતી. પાટડીના એક રહેણાંક મકાનમાં જ જુગારધામ ચાલી રહ્યું હતું અને આ જુગાર ધામ વડોદરાના એસીબી પીઆઈ કમલેશ ઠાકોરનો ભાઈ કિરણ ઠાકોર ચલાવતો હતો, ત્યારે અહીં રેડ કરીને SMCની ટીમે 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર SMCની રેડ બાદ મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે અને 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાટડી પોલીસના PI એમ.કે.ઝાલા સહિત અન્ય 3 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Source link