સુરેન્દ્રનગર નગરપાલિકાનો વહીવટ છેલ્લાં ઘણાં સમયગાળાથી સાવ ખાડે ગયો હોય તેમ શહેરના રહેણાંક વિસ્તારોમાં ગંદકીના ગંજ જોવા મળે છે. સામાન્ય નાગરિકો ગંદકીથી પરેશાન થઈ ગયા છે. ત્યારે વોર્ડ નં. 8માં અતિશય ગંદકીના લીધે ખુદ પાલિકાના ચૂંટાયેલા સુધરાઈ સભ્યે જ નર્કાગારની સ્થિતિના મુદ્દે વોર્ડના નાગરિકોને સાથે રાખી આંદોલનની ચીમકી આપી છે.
સુરેન્દ્રનગર નગરપાલિકામાં કામ કરતા કોન્ટ્રાકટ બેઈઝડ સફાઈ કામદારોને નિયમિત પગાર મળતો નથી. એક તરફ સફાઈ કામદારો નિવૃત થાય છે અને બીજી તરફ કોન્ટ્રાકટર દ્વારા સફાઈ કામદારોને છુટા કરી દેવાય છે. જેને લીધે સફાઈ કામદારોની ઘટ રહેતા નીયમીત સફાઈ થતી નથી. શહેરના મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે. સામાન્ય માણસોની ફરિયાદો તો કોઈ સાંભળતુ જ નથી. ત્યારે હવે પાલિકાના ચૂંટાયેલા સુધરાઈ સભ્ય પણ પાલિકાના વહીવટથી તંગ આવી ગયા છે. વધુમાં મળતી માહિતી મુજબ પાલિકાના વોર્ડ નં. 8ના સુધરાઈ સભ્ય જયાબેન ભાવેશભાઈ કાવેઠીયાએ પાલિકાના ચીફ ઓફીસર, પ્રમુખ અને કારોબારી ચેરમેનને પોતાના લેટરપેડ પર લેખિતમાં રજૂઆત કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ વોર્ડ નં. 8માં ગટરોમાં કચરો ભેગો થઈ ગયો છે. નિયમિત સફાઈ ન થવાથી ગંદકીના ઢગ જોવા મળે છે. આ ઉપરાંત શેરી-ગલીઓમાં પણ સફાઈ થતી નથી. આથી વોર્ડમાં રોગચાળો ફેલાવાની દહેશત સેવાઈ રહી છે. જો ઘરે ઘરે માંદગીના ખાટલા થશે તો તેની જવાબદારી પાલિકાના સત્તાધીશોની રહેશે. જો આગામી 10 દિવસમાં સફાઈ કામદારોની નિમણુક નહી થાય તો પ્રાદેશીક કચેરીએ રજૂઆત કરી વોર્ડના નાગરિકોને સાથે રાખી આંદોલનની ચીમકી પણ અપાઈ છે. પાલિકાના સુધરાઈ સભ્યને જ જો ગંદકી બાબતે રજૂઆત કરવી પડતી હોય તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે? તે એક સળગતો સવાલ બની ગયો છે.
Source link