BUSINESS

Business: રોકાણકારોના જોખમો ઘટાડવા સેબીનો SME IPO માટે કઠોર નિયમોનો પ્રસ્તાવ

માર્કેટ નિયમનકાર સિક્યોરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એસએમઈ) માટેના આઈપીઓના નિયમોની કાયાપલટ કરવા માટે દરખાસ્તો રજૂ કરી છે.

આ સેગમેન્ટને રોકાણકારો માટે સલામત બનાવવાના હેતુથી સેબી દ્વારા આઈપીઓ નિયમોમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઉપરાંત એસએમઈ પર અનુપાલન આવશ્યકતાઓમાં વધારો કરવા અને આ સંસ્થાઓ લિસ્ટેડ કંપની તરીકે અકબંધ રહે તે માટે કોસ્ટમાં વધારો કરવાનું લક્ષ્યાંક છે. આ અંગે સેબી દ્વારા કન્સલ્ટેશન પેપરમાં ઘણાં પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે. જે પૈકી એસએમઈ આઈપીઓના કદને વધારીને રૂ.દસ કરોડ કરવું અને આઈપીઓની અરજીનું કદ ચાર ગણું વધારી રૂ.ચાર લાખ કરવું, પ્રમોટર્સ માટે વેચાણ અર્થેની ઓફર મર્યાદા ઈશ્યૂ સાઈઝના 20 ટકા કરવી તેમજ એસએમઈ દ્વારા આઈપીઓ મારફત જે ભંડોળ એકત્ર કરવામાં આવે છે તેનો શું ઉપયોગ થઈ રહ્યો છે તે માટે મોનિટરિંગ કરવા જેવી બાબતો મુખ્ય છે. નોંધનીય છે કે, વર્તમાનમાં આઈપીઓના કદ અંગે કોઈ લઘુત્તમ મર્યાદા નથી.

છેલ્લા કેટલાક સમયથી એવું ધ્યાન પર આવ્યું હતું કે, નાના અને મધ્યમ કદની કંપનીઓ આઈપીઓ મારફત ઊંચા મૂલ્યાંકને ભંડોળ એકત્ર કર્યા બાદ રોકાણકારોને પાછળથી નિરાશ કરતાં હતા. એટલે કે, વાસ્તવિક મૂલ્ય કરતાં ઊંચા ભાવે ઓફર કરી શેરની કિંમત ફુગ્ગાની જેમ ફુલાવવામાં આવતી હતી અને પાછળથી આ પરપોટા સમાન વૃદ્ધિ ફોડી નાંખવામાં આવતી હતી, જેથી રોકાણકારોને આર્થિક નુકસાનનો સામનો કરવાનો વારો આવતો હતો. ઉપરાંત સેબી દ્વારા એવા ઘણાં બધાં કેસો પકડી પાડવામાં આવ્યા હતા જેમાં લિસ્ટેડ એસએમઈ દ્વારા ફંડનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હોય અથવા ભંડોળનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ પ્રકારની ગેરરિતી બહાર આવ્યા બાદ એસએમઈ આઈપીઓને વધુ પારદર્શક બનાવવા સેબી દ્વારા નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. સેબીએ આવી ગેરરિતી આચરનારી કેટલીક એસએમઈની ઓળખ પણ કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોથી એસએમઈ આઈપીઓમાં વ્યક્તિગત રિટેલ ઈન્વેસ્ટર્સના પ્રમાણમાં વધારો થયો હતો. જેથી એસએમઈ આઈપીઓમાં જોખમનું પ્રમાણ પણ વધ્યું છે. તેમજ જો લિસ્ટીંગ બાદ સેન્ટિમેન્ટ બદલાય તો રોકાણકારોને વ્યાપક નુકસાન થવાની ભીતિ રહેલી છે. જેથી નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાના ઈરાદે સેબીએ ઉક્ત પ્રસ્તાવો રજૂ કર્યા છે. સેબી તરફથી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે, એસએમઈ આઈપીઓની લઘુત્તમ એપ્લિકેશન સાઈઝને રૂ.એક લાખ-રૂ.બે લાખ વધારવામાં આવે. સેબીએ ઓછામાં ઓછા 21 દિવસ માટે એસએમઈના આઈપીઓ ઓફર દસ્તાવેજોને સાર્વજનિક કરવાનો પણ પ્રસ્તાવ મૂકયો છે. ઉપરાંત સેબી દ્વારા એવી પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે, આઈપીઓ પેપર ફાઈલ કરવામાં આવે તેના ત્રણ વર્ષ પહેલાં સુધી કંપનીએ ઓછામાં ઓછો રૂ.ત્રણ કરોડનો પ્રોફિટ કર્યો હોવો જોઈએ. જો કે હાલમાં આઈપીઓ પેપર ફાઈલ કરવા માટે પ્રોફિટની આવી કોઈ શરત લાગુ નથી.

ફંડ ડાયવર્ઝન વચ્ચે વેલ્યૂએશનની ચિંતા

 છેલ્લા કેટલાક વર્ષોમાં અમુક એસએમઈ આઈપીઓ દ્વારા ઊંચા મૂલ્યાંકને નાણાં એકત્ર કર્યાના તુરંત બાદ રોકાણકારોને નિરાશ કરવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યા બાદ નિયમોમાં ફેરફાર અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો

 સેબી દ્વારા એવા ઘણાં બધાં કેસો પકડી પાડવામાં આવ્યા હતા જેમાં લિસ્ટેડ એસએમઈ દ્વારા ફંડનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હોય અથવા ભંડોળનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોય માર્કેટ પ્લેયર્સના જણાવ્યા અનુસાર, માર્કેટના દ્રષ્ટિકોણથી સેબીના ઘણાં પ્રસ્તાવો એસએમઈ સેક્ટરને તંદુરસ્ત બનાવવા તરફના છે અલબત્ત લઘુત્તમ સબસ્ક્રિપ્શનની રકમ વધારવા જેવી કેટલીક બાબતો ફંડ એકત્ર કરવા આડે અવરોધ બની શકે છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button