કડી કલ્યાણપુરા રોડ સ્થિત ખાખરીયા ઝાલાવાડી કડવા પાટીદાર સમાજ પ્રેરિત સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કું.મેઘના કન્યા છાત્રાલય નાનીકડી ખાતે અંદાજે રૂ.35 કરોડના ખર્ચે જ્ઞાનશક્તિ નૂતન છાત્રાલય ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે.
બુધવારે છાત્રાલય ભવનનું ખાતમુહૂર્ત, નામકરણ અને સંસ્થાના શ્રેષ્ઠી દાતાઓનું સન્માન સહિતના ત્રિમંગલ સમારોહનું આયોજન કરાયું. સમારંભમાં અધ્યક્ષ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય મહેમાન ડૉ. એ કે પટેલ. પૂર્વ પેટ્રોલિયમ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કડીના વિસતપુરા ગામના ઝાલાવાડી સમાજના મોભી લાલજીભાઈ ભગવાનભાઈ પટેલ સહિત સમાજના વડીલોએ સમાજને શિક્ષિત બનાવવાં 33 વર્ષ અગાઉ કડીના કલ્યાણપુરા રોડ સ્થિત નાનીકડી ખાતે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી હતી.ત્યાર બાદ લાલજીભાઈ,વાસુદેવભાઈ પટેલ,ભૂદરભાઈ પટેલ અને વર્તમાનમાં અંબાલાલ પટેલ સંસ્થાનું સૂકાન સંભાળી સંસ્થાને 33 વર્ષમાં વટવૃક્ષ સમી બનાવી દીધી છે.1990માં એન નાનકડા કન્યા છાત્રાલયથી શરૂ થતી કું.મેઘના કન્યા છાત્રાલયમાં આજે 12 શૈક્ષણિક સંસ્થાઓ 16 અદ્યતન ભવનો કાર્યરત છે. કે.જીથી લઈ પી.જી સુધીના અભ્યાસક્રમો માટે સંસ્થામાં ગુજરાતી અંગ્રેજી માધ્યમની 4 શાળાઓ, 5 કોલેજો અને એક ડિપ્લોમા કોલેજ તેમજ 2 નર્સિંગ કોલેજ કાર્યરત છે.સંસ્થામાં કુલ 5 હજાર ઊપરાંત વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યાં છે જે પૈકી 1200 ઉપરાંત વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. રાજ્યની ત્રીજા ક્રમે શ્રેષ્ઠ શાળાનો તેમજ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ વિજેતા શાળાની વિદ્યાર્થીની પૂજા પટેલ અને નમ્ર પટેલે આંતરરાષ્ટ્રીય ફ્લક પર યોગ સ્પર્ધામાં સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
નૂતન છાત્રાલય ભવન નામકરણ દાતા ધીરજલાલ કરશનભાઈ પટેલ તથા નૂતન છાત્રાલય ભવન પ્રવેશદ્વારના દાતા અંબાલાલ કરશનભાઈ પટેલ તથા કૈલાસબેન દિનેશભાઈ વશરામભાઈ પટેલ સહિતના દાતાઓનાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ખાતમુહર્ત સમયે અંદાજીત 6 કરોડથી વધુ રકમનાં દાનની સરવાણી વહી હતી.
સમાજના દાતાઓ મન મૂકી દાન કરી રહ્યા છે : નીતિન પટેલ
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉપસ્થિત જન મેદનીને સંબોધતા જણાવ્યુ હતું કે, સમાજના વડીલોએ ગામડે ગામડે ફરી દાન એક્ત્ર કરી સંસ્થાની શરૂઆત કરી જે આજે વટ વૃક્ષ બની છે. આજે સમાજના દાતાઓ મન મૂકી દાન કરી રહ્યા છે.
એક વર્ષ બાદ 7 ટકાનો વધારો સરકાર ચૂકવશે
જ્ઞાન શક્તિ યોજના વિશે જણાવતાં કહ્યું હતું કે, ગુજરાતનાં તેજસ્વી વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી દીઠ સરકાર 60 હજાર ચૂકવે છે. એક વર્ષ બાદ 7 ટકાનો વધારો સરકાર ચૂકવશે. જેમાં દીકરીઓને રાખવાનો તમામ ખર્ચ સરકાર ચૂકવશે. આમાં મેરીટના આધારે તમામને એડમિશન મળે છે. આ જ્ઞાન શક્તિ નૂતન છાત્રાલય ભવનની સાત માળની બિલ્ડીંગ બનશે. જેમાં અંદાજીત 1000 દીકરીઓ રહી શકે તે પ્રમાણે વ્યવસ્થા ઊભી કરાશે. 300થી વધુ રૂમો 35 કરોડના ખર્ચે તૈયાર કરાશે.કડીનાં પાણી જ એવું છે કે આપવાનું શીખ્યો છે. સંસ્થાનાં દાતાં કાંતિભાઈ (રામ) એ નામથી રામ ભગવાન જેવાં નથી પરંતુ સાચા અર્થમાં રામ ભગવાન જેવાં દાનન કાર્યો કરી સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
Source link