ગુજરાતી ફિલ્મ હવે બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર આપતી જોવા મળી રહી છે. નવા કન્સેપ્ટ, સ્ટોરી લાઇન અને ટ્રેન્ડ મુદ્દાઓને બરાબર રીતે આગળ લાવીને મજબૂત મેસેજ પણ આપતી જોવા મળે છે. ત્યારે 22 નવેમ્બરે એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ‘ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની’. ત્યારે કેવી હશે આ ફિલ્મ, શું ખાસ છે આ ફિલ્મમાં તે વિશે ફિલ્મની સ્ટારકાસ્ટે રોચક માહિતી આપી હતી.
ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ખાસ વાતચીત
અમદાવાદમાં સંદેશ ન્યૂઝની હેડ ઓફિસ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટે મુલાકાત લીધી હતી. આ ફિલ્મને લઇને તેમણે રસપ્રદ વાતો, કેવી રીતે ફિલ્મ બની. શું હશે ફિલ્મમાં તેને લઇને કેટલીક વાતચીત કરી હતી. આ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે આ ફિલ્મની વિશેષતા છે વરસાદ અને મેટ્રોમોની. તેમણે વધુમાં જણાવ્યું કે એવુ નથી હોતુ કે મેટ્રીમોનીથી જે લગ્ન થાય કે એરેન્જ મેરેજ જ હોય છે. ઘણી લવસ્ટોરી પણ હોય છે. સાથે જ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે આ પહેલી વરસાદી રોમેન્ટિક ફિલ્મ છે.
40 દિવસમાં શૂટ થઇ- સિદ્ધી ઇદનાની
ફિલ્મ વિશે વાત કરતા અભિનેત્રી સિદ્ધી ઇદનાની એ જણાવ્યું કે આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. હું પહેલીવાર ગુજરાતમાં શૂટ કરી રહી છું. મારા માટે સુંદર અનુભવ હતો. કોઇ પણ સિટીને તમે મોન્સૂનમાં જુઓ ત્યારે તેની અલગ જ બ્યુટી બહાર આવે છે. 40 દિવસના સમયમાં આ ફિલ્મ શૂટ થઇ છે. હવે દર્શકોને મનોરંજન આપવા 22 નવેમ્બરે સિનેમા ઘરોમાં આવી રહી છે.
મારો ચોથો પ્રોજેક્ટ છે- જાનવી ગુરનાની
આ ફિલ્મ અંગે અન્ય એક અભિનેત્રી જહાન્વી ગુરનાનીએ વાત કરતા જણાવ્યું કે કોઇ કેરેક્ટરને ડીપમાં સ્ટડી કરવુ અને પછી તેને સ્ક્રિન પર લાવવુંએ ઘણુ ટફ હોય છે. પરંતુ મારા માટે ગર્વની વાત એ રહી કે હું બહુ સારી રીતે આ કામ કરી રહી છું. આ મારો ચોથો પ્રોજેક્ટ છે. બધા મોટો કલાકારો સાથે કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો.
વરસાદના બેકડ્રોપ સાથેની પ્રથમ ફિલ્મ- હિતેન કુમાર
હિતેન કુમારે કહ્યું કે વરસાદના બેકડ્રોપ સાથે કોઇ સ્ટોરી કહેતી હોય તેવી આ પહેલી ગુજરાતી ફિલ્મ હશે. ડિરેક્ટર અને અમારા કલાકાર મિત્રોએ પ્રથમ સિનથી લઇને એન્ડ સુધી વરસાદનું કેરેક્ટર એકદમ મજબૂત બતાવ્યુ છે. વરસાદને સાંકળીને 40 દિવસ સુધી અમે જે સ્ટોરી માટે મહેનત કરી તે સૌથી મોટુ ટાસ્ક હતું. વરસાદને લઇને દરેક ઉંમરના લોકોની જે લાગણી છે તે આ ફિલ્મમાં ખૂબ સારી રીતે વર્ણવવામાં આવી છે.
કોણ છે ફિલ્મમાં ?
ફિલ્મના પ્રોડ્યુસર દિવ્યેશ દોશી, જગત ગાંધી તથા કો-પ્રોડ્યુસર મનોજ આહિર છે. ફિલ્મને ‘વેનિલા આઇસક્રીમ’ ફૅમ ડિરેક્ટર પ્રીતે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં મિત્ર ગઢવી અને સિદ્ધિ ઇદનાની ઉપરાંત હિતેન કુમાર, સુચિતા ત્રિવેદી, તત્સત મુન્શી, જ્હાન્વી ગુરનાની, છાયા વોરા, પ્રશાંત બારોટ, ચૌલા દોશી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ આ ફિલ્મમાં પાથર્યા છે. ફિલ્મની વાર્તા જ્હાન્વી ચોપડા દ્વારા લિખિત છે અને સિદ્ધાર્થ અમિત ભાવસારનું અત્યંત સુંદર મ્યુઝિક આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે. બોલિવૂડ ફિલ્મોમાં બીજીએમ મ્યુઝિક આપનાર અમર મોઈલે દ્વારા આ ફિલ્મને વધુ મ્યુઝિકલ બનાવાઈ છે.