પાદરા તાલુકાના ચોકારી ગામના સુથારીપુરા વિસ્તારની પ્રાથમિક શાળાના ઓરડાનું ભૂમિપૂજન તાલુકાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરાયું હતું.સુથારીપુરાની પ્રાથમિક શાળાના ઓરડાના અભાવે બાળકોના શિક્ષણ પર વિપરીત અસર પડી હતી. જેને લઈને નવા ઓરડાના બાંધકામ માટે ટેન્ડર પાસ થતા તાજેતરમાં ખાતમુહૂર્ત કરાતાં લોકોમાં આનંદ વ્યાપ્યો છે.
સુથારીપુરા પ્રાથમિક શાળાના ઓરડાનું નવીનીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત નવી બિલ્ડીંગના 6 ઓરડા માટે અંદાજીત રૂા. 56 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવાઈ છે. આથી જુના પ્રાથમિક શાળાનું મકાન તોડી પાડયા બાદ ઘણો સમય વિતવા છતાં નવા ઓરડાનું બાંધકામ હાથ ન ધરાતાં સુથારીપુરાના વાલીઓમાં રોષ ફેલાયો હતો. સુથારીપુરા પ્રાથમિક શાળાની સમસ્યા લઈને પાદરા તાલુકાના અન્ય શાળામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જે વાતની ચૈતન્યસિંહ ઝાલાને જાણ થતાં તેમણે ટેન્ડર પાસ કરાવી બાળકોને નવા મકાન સુવિધા મળે તે તેવા પ્રયત્ન સાથે તાજેતરમાં ખાતમુહૂર્ત કરાયું હતું. જે પ્રસંગે ગ્રૂપ શાળાના આચાર્ય લક્ષ્મણભાઇ વાગડા, ભાજપના કારોબારી અધ્યક્ષ લાલજીભાઈ વકીલ, ભાજપના જિલ્લા મહામંત્રી સંજય પરમાર, યુવા ભાજપા પ્રમુખ મૌલિક ગોહિલ, શિક્ષણ સંઘના પ્રમુખ રાહુલ પટેલહાજર રહ્યાં હતા.
ગામના સોનાબા પઢીયારે વાસ્તુ કર્યા વિના મકાન બાળકોને બેસવા આપ્યું
ચોકારીના સુથારીપુરા વિસ્તારમાં વર્ષો પહેલાં પ્રાથમિક શાળાના બાંધકામ માટે સોનાબા ભારતસિંહ પઢિયાર નામના મહિલાએ દાન પેટે પોતાની જમીનમાંથી પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામ માટે જમીન અર્પિત કરી હતી. જે જમીન પર શાળાના 1થી પાંચ ધોરણ માટે ઓરડા બનાવાયા હતા. પરંતુ વર્ષો જતાં ઓરડા જર્જરિત થવાને કારણે બાળકોના માથે સંકટ તોળાતું હોવાની વાત સોનાબાના કાને આવતાં તેમણે પોતાનું નવું બનાવેલું મકાન વાસ્તુ પૂજાવિધિ કર્યા વિના બાળકોને બેસવા માટે આપી દીધું હતું.
ઓરડાનું કામ ટલ્લે ચઢતા ગામલોકોમાં અંદરોઅંદર વિવાદ થયો હતો
સુથારીપુરા વિસ્તારની પ્રાથમિક શાળાના નવા ઓરડા બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી બાદ કામ હાથ ધરાયું નહોતું. જેને લઈને સુથારીપુરા વિસ્તારના રહીશોમા રોષ જોવા મળ્યો હતો. લાંબા સમય સુધી ઓરડાનું બાંધકામનું કામ ટલ્લે ચડતાં ગામલોકોમા અંદરો-અંદર વિવાદ પણ સર્જાયો હતો. હાલ ખાતમુહૂર્ત થતાં ચોકારી ગામના તમામ નાગરિકોમાં આનંદ વ્યાપ્યો છે.
Source link