છત્તીસગઢના સુકમામાં શુક્રવારે જવાનો અને નક્સલિઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં 10 નક્સલીઓ માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. ભેજ્જી વિસ્તારમાં નક્સલીઓ અને જવાનો વચ્ચે અથડામણ ચાલી રહ્યું છે. સુકમાના એસપી કિરણ ચૌહાણે જણાવ્યું કે અત્યાર સુધી 10 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સાથે જ AK-47, SLR સહિત અન્ય હથિયાર મળી આવ્યા છે.
ઓડિશાથી પ્રવેશ્યા છત્તીસગઢ
બસ્તરના આઈજી પી.સુંદરરાજે કહ્યું કે એક દિવસ પહેલા માહિતી મળી હતી કે નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢમાં પ્રવેશ્યા છે. આ પછી સૈનિકોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન નક્સલીઓએ ભેજ્જી વિસ્તારમાં ગોળીબાર શરૂ કરી દીધો.. જવાબી કાર્યવાહીમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. ઘટનાસ્થળેથી ત્રણ ઓટોમેટિક ગન અને અન્ય ઘણા હથિયારો મળી આવ્યા છે. અધિકારીએ કહ્યું કે આ વિસ્તારમાં ડીઆરજી અને સીઆરપીએફની ટીમ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
ક્યાં થયુ એન્કાઉન્ટર ?
જે વિસ્તારમાં જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે તે વિસ્તાર જંગલથી ઘેરાયેલો છે. નજીકમાં પર્વતો છે. આ એન્કાઉન્ટર DRG અને CRPF સૈનિકો સાથે કોરાજુગુડા, દંતેસપુરમ, અને ભંડારપાદર ગામોની નજીકના જંગલોમાં થયું હતું.
કાંકેરમાં 5 નક્સલી ઠાર મરાયા
ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા જ છત્તીસગઢના કાંકેરમાં સૈનિકો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થયુ હતું જેમાં પાંચ નક્સલી ઠાર મરાયા હતા. પોલીસે તેમની પાસેથી એક SLR અને 12 બોરની રાઇફલ સહિત મોટી માત્રામાં કારતુસ જપ્ત કર્યા હતા. રવિવારે જ સૈનિકોએ છત્તીસગઢના બલરામપુરમાં નક્સલવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. સૈનિકોએ રસ્તાના કિનારે સર્ચ ઓપરેશન દરમિયાન લગભગ 4 કિલો વજનનો આઈડી ટિફિન બોમ્બ નિષ્ક્રિય કર્યો હતો.