જો કોઈ વ્યક્તિ માત્ર અનામતનો લાભ મેળવવા માટે જ આસ્થા વગર જ ધર્મપરિવર્તન કરે તો તે અનામતની નીતિની સામાજિક ભાવના વિરુદ્ધ ગણાય. આ નિર્ણય મંગળવારે સુપ્રીમ કોર્ટે આપ્યો છે. કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના આદેશને જાળવી રાખતાં એક મહિલાને અનુસૂચિત જાતિ (SC)નું પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કરી દીધો છે.
મહિલાએ આ પ્રમાણપત્ર એક ઉચ્ચ શ્રોણીના પદવાળી નોકરી મેળવવા માટે માંગ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે હિંદુ ધર્મ અપનાવીને અનુસૂચિત જાતિમાં સામેલ થઈ ચૂકી છે. જસ્ટિસ પંકજ મિથલ અને આ મહાદેવનની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે પોતાના ચુકાદામાં કહ્યું, આ કેસમાં પ્રસ્તુત પુરાવાથી એ સ્પષ્ટ થાય છે કે અપીલકર્તા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે અને નિયમિત રીતે ચર્ચમાં જાય છે. તેમ છતાં, તે પોતાને હિંદુ ગણાવે છે અને રોજગાર માટે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની માગણી કરે છે. તેમનો આ બેવડો દાવો અસ્વીકાર્ય છે.
મહિલા અરજીકર્તાનો દાવો શો હતો?
અપીલકર્તા સી. સેલવરાનીએ મદ્રાસ હાઇકોર્ટના 24 જાન્યુઆરી 2023ના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેમની અરજી હાઇકોર્ટે રદ કરી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે તે હિંદુ ધર્મનું પાલન કરે છે અને તે વલ્લુવન જાતિના છે, જેનો સમાવેશ અનુસૂચિત જાતિમાં થાય છે. મહિલાએ દ્રવિડ કોટા હેઠળ અનામતનો લાભ મેળવવા માટે પોતાને હકદાર ગણાવ્યા હતા. કોર્ટે મહિલા દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાની સમીક્ષા કરી જેમાં જાણવા મળ્યું કે તેઓ જન્મજાત ખ્રિસ્તી છે. આ ઉપરાંત કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો સેલવરાની અને તેના પરિવારે હકીકતમાં હિંદુ ધર્મ અપનાવવા ઇચ્છયું હતું તો તેમણે નક્કર પગલાં ભરવાની જરૂર હતી, જેમ કે, સાર્વજનિક રીતે ધર્મપરિવર્તનની જાહેરાત કરવી જોઈતી હતી.
Source link