અમદાવાદ પોલીસ અત્યાર સુધી નકલી ભારતીય ચલણી નોટો બનાવતા આરોપીઓને ઝડપી પાડતી હતી. પરંતુ હવે આરોપીઓ બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા ઝડપાયા છે. અમદાવાદ એસોજીએ વટવામાં રેડ કરી બનાવટી ડોલર છાપતી ફેક્ટરી સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પોલીસે બનાવટી ડોલર છાપતી ફેક્ટરી પર જ દરોડા પાડી આરોપીઓને ઝડપ્યા
જેમની પાસેથી બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલરોનો જથ્થો અને પ્રિન્ટિંગ મશીન સહિતનો સરસામાન કબજે કરવામાં આવ્યો છે. સાથે જ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ચાર આરોપી ધ્રુવ દેસાઈ, મૌલિક પટેલ, ખુશ પટેલ અને રોનક રાઠોડ પાસેથી 131 તૈયાર બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર અને 18 પ્રિન્ટ કરેલા બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપી રોનક રાઠોડ આ બનાવટી ડોલર સસ્તા ભાવે બજારમાં વેચવા નીકળતા ઝડપાયો છે. એટલે કે જે ઓસ્ટ્રેલિયન ડોલરનો ભાવ 55 રૂપિયા છે તે ડોલર 40 રૂપિયાના ભાવે વેચવા નીકળ્યો હતો. જ્યાં તેને પકડી તપાસ કરતા આ ડોલર બનાવટી હોવાનું સામે આવતા એસઓજીએ બનાવટી ડોલર છાપતી ફેક્ટરી પર જ દરોડા પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસે 12 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
એસઓજીએ રોનકની ધરપકડ કરી બનાવટી ડોલર ક્યાં છાપ્યા તેની તપાસ કરતા વટવાના પ્લેટિનિયમ એસ્ટેટનું સરનામું મળ્યું હતું. જ્યાં શેડ માલિક ધ્રુવ દેસાઈ અને ઓસ્ટ્રેલિયન સિટીઝન મૌલિક પટેલ બનાવટી ડોલર છાપતા ઝડપાયા હતા. તે બંને આરોપીઓએ બનાવટી ડોલર છાપી ખુશ પટેલને આપ્યા અને ખુશ પટેલે બજારમાં આ ડોલર ફરતા કરવા રોનકની મદદ લીધી હતી. જેથી સૌથી પહેલા રોનક પોલીસના હાથે આવ્યો અને ત્યારબાદ બનાવટી ડોલર છાપતી આખી ટોળકી અને ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી પોલીસે અલગ અલગ મોબાઈલ અને કોમ્પ્યુટર તથા પ્રિન્ટિંગ મશીન સહિત અંદાજિત 12 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઓસ્ટ્રેલિયન સિટિઝન ધરાવતો વ્યક્તિ પણ સામેલ
ઝડપાયેલા ચારે આરોપીઓની તપાસ કરતા મુખ્ય આરોપી મૌલિક પટેલ હોવાનું સામે આવ્યું છે. જે છેલ્લા 20 વર્ષથી પોતાના પરિવાર પત્ની અને બે બાળકો સાથે ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે. ત્યાંની સિટિઝનશીપ ધરાવી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી મોજ શોખ માટે ઝડપથી રૂપિયા કમાવવા બનાવટી ડોલર છાપવાનું પ્લાનિંગ કરી, ઈન્ટરનેટ મારફતે તેની તમામ માહિતી અને મટીરીયલ અને ડોલરની પીડીએફ ફાઈલ મેળવી હતી. જે બાદ મિત્ર ધ્રુવ દેસાઈના પિતાના પ્રિન્ટિંગ પ્રેસમાં બનાવટી ડોલરો છાપવાની શરૂઆત કરી હતી. જે સમયે ધ્રુવ દેસાઈના પિતાને ઓસ્ટ્રેલિયન કંપનીના ઓર્ડર મુજબ ઈવેન્ટના પાસ બનાવવાના બહાને આ નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે.
આરોપીઓ ભણેલા-ગણેલા
ગુનાહિત કાવતરામાં ઝડપાયેલા જ્યારે આરોપીઓએ સારો અભ્યાસ કર્યો છે. જેમાં ધ્રુવ દેસાઈ બાયોટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે મૌલિક પટેલ ઑસ્ટ્રેલિયામાં એમબીએ પાસ થયો છે. તે સિવાય અન્ય બંને આરોપી ખુશ પટેલ અને રોનક રાઠોડ ધોરણ 10 પાસ કર્યુ છે. જોકે ખુશ અને રોનકનો આ ગુનામાં નોટો બજારમાં ફરતી કરવા પુરતી જ મદદ લેવાઈ છે. બીજી તરફ પ્રિન્ટિંગ મશીન માટે 11 લાખ રૂપિયાનું રોકાણ પણ મૌલિક પટેલે કર્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા બે મહિના પહેલા આરોપીઓએ બનાવટી ડોલર બનાવવાનું શરૂઆત કરી હતી. પરંતુ એ ડોલર માર્કેટમાં ફરતા થાય તે પહેલા જ પોલીસે તેમને ઝડપી લીધા છે.
Source link