મહારાષ્ટ્રના સીએમ કોણ, તેને લઇને હલચલ તેજ બની છે. દેવેન્દ્ર ફડણવીસના નામની ચર્ચા ચાલી રહી છે પણ હજી સત્તાવાર રીતે નામની જાહેરાત થઇ નથી. ગઇકાલે જ પાર્ટીએ નિરીક્ષકો નિમ્યા હતા. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતરમણને નિરીક્ષક બનાવાયા છે. ત્યારે હવે આગળ શું.. ક્યારે થશે સીએમના નામની જાહેરાત તે વિશે વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
હું આજે મુંબઇ જઇશ- વિજય રૂપાણી
બીજેપી નેતા વિજય રૂપાણીએ આ અંગે ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હું આજે સાંજે મુંબઇ જઇ રહ્યો છું. નિર્મલા સીતારમણ પણ આજે રાત્રે મુંબઇ આવી રહ્યા છે. આવતીકાલે સવારે અગિયાર વાગે ધારાસભ્ય દળની બેઠક મળશે. બેઠકમાં ચર્ચા વિચારણાને અંતે સર્વ સંમતિથી નેતાની પસંદગી થશે. જે નામ નક્કી થશે તે અમે હાઇકમાન્ડને જણાવીશું તેઓ સીએમના નામની જાહેરાત કરશે.
BJPના સીએમ બને તેવી સંભાવના- વિજય રૂપાણી
તેમણે વધુમાં જણાવ્યું કે મને લાગે છેકે કોઇ સમસ્યા નથી. કારણ કે ત્રણેય પક્ષો એક સાથે છે. તેઓએ ચર્ચા કરી છે. બધુ સારી રીતે અને સર્વસંમતિથી જ થશે. ત્યારે કઇ પાર્ટીમાંથી સીએમ બનશે તે સવાલના જવાબમાં કહ્યું કે સૌથી મોટી પાર્ટી બીજેપી છે. એકનાથ શિંદેજીએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાજપમાંથી કોઇ સીએમ બને તો મને કોઇ તકલીફ નથી. તો મને લાગે છે કે આ વખતે ભાજપના જ કોઇ સીએમ બની શકે છે તેવી સંભાવના છે.