ઇસ્કોન બ્રીજ અકસ્માતમાં એક સાથે નવ લોકોને કચડી નાંખી મોતને ઘાટ ઉતારવાના કેસમાં આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલે રેગ્યુલર જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ એફિડેવીટ કરીને આરોપીને જામીન નહીં આપવા માટે વિનંતી કરી છે. જેની સુનાવણી પુરી થતા કોર્ટે આગામી તા.3 જીને રોજ હુકમ માટે રાખી છે.
તપાસનીશ અધિકારીએ કોર્ટને એફિડેવીટમાં જણાવ્યુ છે કે, આરોપી અકસ્માત કરવાની ટેવવાળો છે. અગાઉ બે અકસ્માતના ગુના આચર્યા હતા. ત્યારબાદ ઈસ્કોન બ્રીજ પાસે અકસ્માત કરીને નવ જણાને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઉપરાંત આરોપી તથ્ય પટેલને જામીન પર મુકત કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે આરોપી તથ્ય પટેલને આવા ગંભીર ગુનામાં જામીન આપવાનો ફરી એકવાર સાફ્ શબ્દોમાં ઇન્કાર કરતા પરત ખેંચી લીધી હતી. બીજી તરફ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલએ ડિચાર્જ અરજી નીચલી કોર્ટે ફગાવી દીધી હતી તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં રીવીઝન અરજી કરેલ છે જેમાં મુદતો પડતી હોવાથી નીચલી કોર્ટમાં હજુ સુધી કેસ ઓપન થઈ શકતો નથી. ઇસ્કોન બ્રીજ પર ગત તા.20મી જુલાઈ 2023ના રાતના 142.5 કિલોમીટરથી વધુની સ્પીડે બેફમ રીતે જેગુઆર ગાડી તથ્ય પટેલે હંકારીને નવ નિર્દોષોને કચડી નાંખીને મોતના ઘાટ ઉતાર્યા હતા. આ પછી લોકોના ટોળાએ તથ્ય પટેલને ઘેરી લેતા તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને માતા આવીને તથ્ય પટેલને છોડાવીને ગયા હતા. તથ્ય પટેલ સાથે જેગુઆર કારમાં સવાર મિત્રોને ટ્રાફિક પોલીસે બીજા દિવસે ડિટેઈન કરીને રાખ્યા હતા.પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી હતી.
Source link