કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે રાજ્યસભાને એક સવાલના જવાબમાં જણાવ્યુ હતું કે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રીય કર અધિકારીઓએ ગુજરાતમાંથી GST ચોરીના 12,803 કેસ નોંધ્યા છે અને 101 લોકોની ધરપકડ કરી છે. સીતારામને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નાણા વર્ષ 2021-22થી 2024-25 વચ્ચે કેન્દ્રીય કર અધિકારીઓ દ્વારા GST કરચોરીના 12,803 કેસ નોંધાયા હતા.
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 30 ઓક્ટોબર, 2024 સુધી ગુજરાતમાં GST ચોરીના કેટલા કેસ નોંધાયા છે તેવા સવાલના જવાબમાં નાણાં પ્રધાને ઉપરોક્ત માહિતી આપી હતી અને કહ્યું હતું કે આપીસીની કલમ હેઠળ આવા કેસમાં ત્રણ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને તેમા આઠ લોકોના નામ અપાયા હતા. જોકે, GST ચોરીના કેસમાં કુલ 101 લોકોની સીજીએસટી એક્ટ, 2017ની કલમ 69ની જોગવાઇઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સભામાં એક અલગ સવાલના જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ પાંચ વર્ષ દરમિયાન GSTના કલેક્શન વિશેની વિગતો આપી હતી.તેમણે જણાવ્યું હતું કે 2023-24માં GSTનું કલેક્શન 20.18 લાખ કરોડ હતું જેમાંથી 2.08 લાખ કરોડ રિફન્ડ પેટે ચૂકવાયા હતા. 2022-23માં GSTની આવક 18.08 લાખ કરોડ હતી અને 2.20 લાખ કરોડ રિફંડ પેટે ચૂકવાયા હતા. 2021-22 અને 2020-21માં GSTનું કુલ કલેક્શન 14.83 લાખ કરોડ અને 11.37 લાખ કરોડ હતું અને તે વર્ષોમાં અનુક્રમે 1.83 લાખ કરોડ અને 1.25 લાખ કરોડ રિફંડ જારી કરાયા હતા. વર્તમાન નાણાં વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર મહિના દરમિયાન થયેલ GST કલેક્શન 12.74 લાખ કરોડ હતું જ્યારે હજુ સુધીમાં 1.47 લાખ કરોડના રિફંડ ચૂકવાયા છે. કુલ GST કલેક્શન હાલ 11.27 લાખ કરોડ રૂપિયા છે.
Source link