યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ધારાધોરણો બાદ યુજી અને પીજીના વિદ્યાર્થીઓ હવે કોઇપણ વિદ્યા શાખામાં પ્રવેશ લઇ શકશે પછી ભલેને તેઓએ ધોરણ 12માં અથવા સ્નાતક સ્તરે અન્ય વિદ્યાશાખામાં જ અભ્યાસ કેમ ન કર્યો હોય.જોકે, તે માટે વિદ્યાર્થીએ નેશનલ અથવા યુનિવર્સિટી સ્તરીય પ્રવેશ પરીક્ષાને પાસ કરવાની રહેશે.
યુજીસીએ ગુરુવારે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા હતા જે નિયમોને અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે મિનિમમ સ્ટાન્ડર્ડ ઓફ ઇન્સ્ટ્રક્શન તરીકે નક્કી કરવામાં આવી રહ્યા છે. યુજીસીના ચેરમેન જગદેશ કુમારના જણાવ્યા અનુસાર આ નવા નીતિ-નિયમો વ્યાપક ફ્લેક્સિબિલિટી લાવશે, વિદ્યાશાખાને લગતી સખ્તાઇ દૂર કરશે અને વિદ્યાર્થીઓ માટે સમાવેશિતા અને એકથી વધારે વિદ્યાશાખામાં અભ્યાસની તક પ્રદાન કરશે.
નવા નીતિ-નિયમોના મુસદ્દામાં કહેવાયું છે કે વિદ્યાર્થી દ્વારા લેવલ-4 અથવા ધોરણ-12માં જે કોઇપણ વિદ્યાશાખામાં અભ્યાસ કરાયો હોય, વિદ્યાર્થી યુજી પ્રોગ્રામમાં કોઇપણ અન્ય વિદ્યાશાખામાં અભ્યાસ કરી શકશે, જોકે તેના માટે વિદ્યાર્થીએ નેશનલ લેવલ અથવા યુનિવર્સિટી લેવલ પર તે વિદ્યા શાખામાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોવી જરુરી છે. મુસદ્દામાં વધુમાં કહેવાયું હતું કે સંસ્થાનમાં ઉપલબ્ધ શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓને આધારે યુનિવર્સિટી ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને બીજા, ત્રીજા અથવા ચોથા વર્ષના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપી શકશે. જોકે તે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્કમાં અપાયેલ એન્ટ્રી અને એક્ઝિટની જોગવાઇઓને અનુસાર રહેશે. કમિશને વધુમાં જણાવ્યું હતું કે એક વિદ્યાર્થી બે યુજી અથવા પીજી પ્રોગ્રામમાં એક સાથે અભ્યાસ કરી શકશે અને તેમને પોતાની વિદ્યાશાખા, સંસ્થા અને લર્નિંગ મોડ પણ બદલવાની સુવિધા ધરાવશે.
Source link