નેશનલ હાઇવેઝ તથા સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિભાવ માટે તમામ ટોલ પ્લાઝા બંધ કરી વન-ટાઇમ સામાન્ય રજિસ્ટ્રેશન ફી લેવાની રજૂઆત સાથે ડીએમકેના સાંસદ પી. વિલ્સન આજે રાજ્યસભામાં ઠરાવ રજૂ કરશે. ઠરાવમાં જણાવાયું છે કે ભારતમાં કુલ 983 ટોલ પ્લાઝા છે અને 2023-24માં કુલ 55,844 કરોડ રૂપિયાનું ટોલ ચાર્જિસ કલેક્શન થયું હતું.
ટોલ પ્લાઝાની સંખ્યા વધવાને કારણે તથા ટોલ ચાર્જિસમાં વૃદ્ધિથી નાગરિકો પર નાણાકીય બોજ પડી રહ્યો છે. નેશનલ હાઇવેઝ એક્ટ, 1956ની કલમ-8 હેઠળ ટોલ ફીની વસૂલાત અને પુલ-ટનલ સહિત રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી માટે ખાનગી કન્સેશનર સાથે કરાર કરવામાં આવે છે.સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા બંધ કરવા અને નેશનલ હાઇવેઝ એક્ટ, 1956માં સુધારો કરીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ્ ઇન્ડિયા (NHAI) દ્વારા કરાયેલા તમામ કન્સેશન એગ્રીમેન્ટ રદ કરવા અને વન-ટાઇમ સામાન્ય રજિસ્ટ્રેશન ફી વસૂલવા અંગે વિચારો, જે ફીનો ઉપયોગ નેશનલ હાઇવેઝની જાળવણી માટે થઇ શકે. વિલ્સને ઠરાવમાં એમ પણ ઉમેર્યું હતું કે નેશનલ હાઇવે પર દર 60 કિલોમીટરે માત્ર એક ટોલ પ્લાઝા રાખવાની અને 60 કિલોમીટરમાં તે સિવાય જો કોઇ વધારાના ટોલ પ્લાઝા હોય તો તે ત્રણ મહિનામાં બંધ કરવાની સરકારની નીતિનો હજુ અમલ થતો નથી. સરકારે દરેક ટોલ પ્લાઝાથી 60 કિલોમીટરની અંદર આવેલા તમામ ટોલ પ્લાઝા બંધ કરવા અંગે સમયબદ્ધ એક્શન પ્લાન તૈયાર કરવો જોઇએ. વિલ્સનનો એવો મત હતો કે ટોલ પ્લાઝા ટ્રાફિક બોટલનેકના મુખ્ય સ્ત્રોતો પૈકી એક છે, જેના કારણે ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી લાઇનો લાગે છે, જેના કારણે ઘણો ટ્રાવેલ ટાઇમ, ઇંધણ વેડફાય છે. તેની પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે.
Source link