રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર નેશનલ એચીવમેન્ટ સર્વે માટે દેશભરની શાળાઓમાં ધો. 3, 6 અને 9માં અભ્યાસ કરતા છાત્રોની તા. 4થી ડિસેમ્બરે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રેન્ડમલી પસંદ કરાયેલ 101 શાળાઓના 113 વર્ગોમાં 2,943 છાત્રોએ પરીક્ષા આપી હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે તા. 4થી ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની 101 શાળાઓના 113 વર્ગોમાં નેશનલ એચીવમેન્ટ સર્વે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024નું આયોજન કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધો. 3, 6 અને 9ના છાત્રોએ પરીક્ષા આપી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા, જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયાના જણાવાયા મુજબ રાષ્ટ્રીય સર્વેક્ષણના કસોટીપત્રોનો મહાવરો મળી રહે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જીસીઈઆરટીની વેબસાઈટ પર પ્રશ્નબેંક મુકાઈ હતી. તેમજ બાયસેગના પ્રસારણ માધ્યમથી વિવિધ પ્રશ્નોનો વિદ્યાર્થીઓને મહાવરો કરાયો હતો. સર્વેક્ષણ અંતર્ગત શાળા એક દીઠ એક ઓબ્ઝર્વર અને ધોરણ દીઠ ફીલ્ડ ઈન્વેસ્ટીગેટરની નિમણુંક કરાઈ હતી. જેમાં બુધવારે યોજાયેલી પરીક્ષામાં ધો. 3ના 790, ધો. 6ના 841 અને ધો. 9ના 1312 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા બાદ કેન્દ્ર કક્ષાએથી તેના પરીણામો અંદાજે બે માસ પછી જાહેર કરવામાં આવનાર છે.
Source link