Sports: એડિલેડટેસ્ટ: સ્ટાર્કના સપાટા બાદ બેટ્સમેનોએ મોર્ચો સંભાળ્યો, ભારત બેકફૂટ ઉપર ધકેલાયું
પેસ બોલર મિચેલ સ્ટાર્કના ધાતક સ્પેલ બાદ ટોચના બેટ્સમેનોએ ઉપયોગી રન બનાવતા ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલ ખાતે પિંક બોલ દ્વારા રમાતી ડે-નાઇટ ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંતે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતનો પ્રથમ દાવ 180માં સમેટાઇ ગયો હતો. રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 85 રન બનાવી લીધા હતા અને તે હજુ ભારતના સ્કોરથી 94 રન પાછળ છે. સ્ટમ્પના સમયે લાબુશેન 20 તથા મેકસ્વિની 38 રન બનાવીને રમી રહ્યા હતા અને બંને વચ્ચે 62 રનની ભાગીદારી નોંધાઇ ચૂકી છે. ઓપનર ખ્વાજા 13 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો.
ભારતે પ્રથમ બોલે જ ઓપનર જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. લોકેશ રાહુલ અને શુભમન ગિલે બીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલ 31 તથા લોકેશ 37 રન બનાવીને આઉટ થયા હતા. વિરાટ કોહલી સાત અને સુકાની રોહિત ત્રણ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. રિષભ પંતે 21 તથા નિતિશકુમારે 54 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 42 તથા અશ્વિને 22 બોલમાં 22 રન બનાવ્યા હતા. સ્ટાર્કે 48 રનમાં છ, કમિન્સે 41 રનમાં બે તથા બોલેન્ડે 54 રનમાં બે વિકેટ ખેરવી હતી.
કાળી પટ્ટી પહેરી ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે ફિલિપ હ્યુઝ અને ઇયાન રેડપાથને શ્રાદ્ધાંજલિ આપી
એડિલેડ : ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ શુક્રવારે ભૂતપૂર્વ ક્રિકેટર ફિલિપ હ્યૂઝ અને ઇયાન રેડપાથને શ્રાદ્ધાંજલિ આપવા માટે ભારત સામેની પિંક બોલ ટેસ્ટના પ્રથમ દિવસે બાંય ઉપર કાળી પટ્ટી પહેરી હતી. ફિલિપ હ્યુઝને 2014માં શેફિલ્ડ શિલ્ડની મેચમાં માથામાં બોલ વાગતા તેનું અકાળે નિધન થયું હતું. રેડપાથનું ચાલુ મહિનાની શરૂઆતમાં નિધન થયું હતું. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન હ્યુઝની 10મી પુણ્યતિથિએ તેને શ્રાદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો હતો. મેચ પહેલાં તેના જીવન ઉપર એક નાની ફિલ્મ દેખાડવામાં આવી હતી. ગયા સપ્તાહે શેફિલ્ડ શિલ્ડના મુકાબલા દરમિયાન પણ ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી હતી.
ટેસ્ટમાં બેસ્ટ સ્પેલ સાથે મિચેલ સ્ટાર્કે ડે-નાઇટ ટેસ્ટમાં ચોથી વખત ફાઇવ પ્લસ વિકેટ ઝડપી
ભારત સામેની પિંક બોલ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન પેસ બોલર મિચેલ સ્ટાર્કે ઘાતક બોલિંગ કરીને ટેસ્ટ કારકિર્દીમાં બેસ્ટ સ્પેલ નાખ્યો હતો. સ્ટાર્કે 48 રનમાં છ વિકેટ હાંસલ કરી હતી. સ્ટાર્કે ભારત સામે પ્રથમ વખત ટેસ્ટમાં પ્રથમ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. સ્ટાર્કે ડે-નાઇટ ટેસ્ટમાં ચોથી વખત આ સિદ્ધિ મેળવી છે. ડે-નાઇટ ટેસ્ટમાં વિશ્વનો એક પણ બોલર બે કરતાં વધારે વખત પાંચ પ્લસ વિકેટની સિદ્ધિ મેળવી શક્યો નથી. ભારત પ્રથમ દાવમાં 180ના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું અને એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ દાવનો આ લોએસ્ટ સ્કોર પણ રહ્યો છે.
Source link