ચેતન શર્માની ત્રણ વિકેટ બાદ વૈભવ સૂર્યવંશીની અડધી સદી વડે ભારતે પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકાને 170 બોલ બાકી રાખીને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પ્રવેશી હતી જ્યાં તેનો મુકાબલો બીજી સેમિફાઈનલમાં પાકિસ્તાનને હરાવનાર બાંગ્લાદેશ સામે મુકાબલો થશે. શ્રીલંકન ટીમ 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેની સામે ભારતે 21.4 ઓવરમાં ત્રણ વિકેટે 175 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
આયુષ મહાત્રે (34) અને વૈભવે પ્રથમ વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાવીને ભારત માટે ટાર્ગેટ આસાન બનાવી દીધો હતો. વૈભવે 36 બોલમાં છ બાઉન્ડ્રી અને પાંચ સિક્સર વડે 67 રન બનાવ્યા હતા. અમાને 25 રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકાની ઇનિંગમાં મિડલ ઓર્ડરમાં લાકવિન અભેસિંઘે 69 તથા શર્જુને 42 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત માટે કિરણ ચારમોલે અને મહાત્રેએ બે-બે વિકેટ ખેરવી હતી.
બાંગ્લાદેશ પાકિસ્તાનને સાત વિકેટે કચડીને ફાઇનલમાં
બાંગ્લાદેશે શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાનની ઇનિંગ 116 રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. તેની સામે બાંગ્લાદેશે 167 બોલ બાકી રાખીને ત્રણ વિકેટે 120 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રનચેઝની બાંગ્લાદેશે કંગાળ શરૂઆત કરી હતી અને 28ના સ્કોર સુધીમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની અઝિઝુલ હકીમે અડધી સદી ફટકારીને ટીમને વિજય તરફ દોરી હતી.
Source link