બેસિન રિઝર્વ ખાતે યજમાન ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે 15 વિકેટોના પતન વચ્ચે ઇંગ્લેન્ડે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. હેરી બ્રૂકની સદી વડે ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 280 રન બનાવ્યા બાદ રમતના અંત સુધીમાં 86 રનમાં પાંચ વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડને બેકફૂટ ઉપર ધકેલી દીધું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની રેસમાં જીવંત રહેવા માટે ન્યૂઝીલેન્ડે કોઈ પણ ભોગે આ ટેસ્ટ જીતવી પડે તેમ છે. સ્ટમ્પના સમયે ટોમ બ્લન્ડેલ સાત તથા વિલ ઓરુકી ખાતું ખોલાવ્યા વિના રમી રહ્યા હતા. વિલિયમ્સન 37 રન બનાવીને આઉટ થયો હતો.
ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ન્યૂઝીલેન્ડના બોલર્સે ઘાતક સ્પેલ નાખીને 43 રનના સ્કોર સુધીમાં જોઇ રુટ (3) તથા ઝેક ક્રોવલી (17) સહિત ચાર વિકેટ ઝડપી લીધી હતી. ત્યારબાદ હેરી બ્રૂક અને ઓલી પોપે પાંચમી વિકેટ માટે 159 બોલમાં 174 રનની ભાગીદારી નોંધાવીને ટીમની બાજી સંભાળી હતી. હેરી બ્રૂકે ન્યૂઝીલેન્ડમાં ત્રીજી સદી ફટકારી છે અને છ ઇનિંગમાં આ તેનો પાંચમી વખત ફિફ્ટી પ્લસ સ્કોર રહ્યો છે. બ્રૂકે 115 બોલમાં 123 તથા ઓલી પોપે 66 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ માટે ઓરુકીએ 49 રનમાં ત્રણ તથા નાથાન સ્મિથે 76 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
Source link