મૂળીના કુંતલપુર ગામના નરેન્દ્રભાઈ જગદીશભાઈ પટેલ ધ્રાંગધ્રાના હળવદ રોડ પર શ્રીજી હીરો નામે બાઈકનો શો રૂમ ધરાવે છે. જેમાં હળવદમાં આવેલ શ્રીજી હીરોમાંથી વેચાણ અર્થે નવા બાઈક મંગાવાય છે.
આ બાઈક જરૂરિયાત મુજબ આઈશર ટ્રકમાં મંગાવી શો રૂમમાં મુકવામાં આવે છે. જયારે વધારાના બાઈક ગોડાઉનમાં રખાય છે. આ ગોડાઉનના શટરને લોક વગર બંધ કરવામાં આવે છે. ગત તા. 5-11-24ના રોજ શો રૂમમાં બાઈકનું ઓડીટ થયુ હતુ. ત્યાં સુધી બાઈક બરોબર સંખ્યામાં હતા. જયારે ગત તા. 29-11ના રોજ ઓડિટ થતા 12 બાઈક ઓછા જણાયા હતા. આથી તેઓએ ઈ-એફઆઈઆર કરી હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજાની સુચનાથી પીએસઆઈ એન.એ. રાયમા, પેરોલ ફર્લો પીએસઆઈ આર.એચ. ઝાલા, પરીક્ષીતસીંહ, દશરથભાઈ સહિતનાઓએ તપાસ આદરી હતી. જેમાં આ બાઈક ચોરીના ગુનામાં ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં રહેતો 20 વર્ષીય ગૌતમ વિજયભાઈ મકવાણા સામેલ હોવાનું તથા તે ચોરીના બાઈક સાથે નીકળનાર હોવાની માહિતી મળતા વોચ રાખી હતી. જેમાં ધ્રાંગધ્રા સબ જેલ પાસેથી ગૌતમ મકવાણા ચોરીના બાઈક સાથે ઝડપાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ બાઈક શો રૂમમાં કામ કરતો તેનો મિત્ર અને તરૂણ વયના યુવાને ચોર્યા હોવાનું તથા તે ચોરી કરીને બાઈક ગૌતમને આપતો હોવાનું જણાવ્યુ હતુ. આથી પોલીસે તમામ બાઈક રીકવર કર્યા હતા. અને રૂ. 9.16 લાખની મત્તા સાથે ગૌતમ મકવાણા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક તરૂણને ઝડપી લઈને બન્નેને ધ્રાંગધ્રા સિટી પોલીસના હવાલે કર્યા હતા.
Source link