GUJARAT

Surendranagarમાં ભંગારના અને જૂના વાહનોની લે-વેચ કરતા વેપારીઓને લઈ કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ

જિલ્લામાં ચોરી કરનાર ઇસમો ચોરેલી ચીજ વસ્તુઓ ભંગારનાં વેપારીઓને સસ્તા ભાવે વેચી દેતા હોય છે ત્યારે તપાસ દરમિયાન વેપારીઓ પાસે ભંગાર વેચવા આવેલા કે ખરીદ કરનારની કોઈ વિગત મળતી નથી અને ચોરી કરનાર ગુનેગારો સુધી પોલીસ સહેલાઈથી પહોંચી શકતી નથી. આથી જિલ્લામાં ચોરીના બનાવો થતા અટકે તે માટે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા ભંગારનાં વેપારીઓ માટે ભંગાર વેચવા આવનાર તેમજ ખરીદ કરવા આવનાર વ્યક્તિઓના નામ, સરનામા તથા આઇ.ડી.પ્રુફ સાથેની સંપૂર્ણ વિગત દર્શાવતું રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

રજિસ્ટર નિભાવવું જરૂરી છે

જે અનુસાર સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાનાં વિસ્તારમાં ભંગાર લે-વેચ કરનારા વ્યાપારીઓએ ભંગારનો પ્રકાર/વર્ણન તથા અન્ય વિગતો, ભંગાર જેની પાસેથી ખરીદેલ હોય તેનું નામ, સરનામું, એક આઈ.ડી.પ્રૂફ તથા તેનો તાજેતરનો ફોટો, ભંગાર જેને વેચેલ હોય તેનું નામ-સરનામું, આઈ.ડી.પ્રૂફ તથા તાજેતરનો ફોટો સહિતની વિગતો ધરાવતું રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે.આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈ ઈસમ ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરશે તો, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

વાહનોનો ધંધો કરતા લોકો માટે જાહેરનામું

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાંગફોડ સહિતની અસામાજિક પ્રવૃતિઓ માટે જૂની સાયકલો/ મોપેડ/ અન્ય વાહનોનો ઉપયોગ થતો અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા રજિસ્ટર ન થતા હોય તેવા સાયકલ/ મોપેડ/ અન્ય વાહનોનું વેચાણ કરનાર, આવા જૂના વાહનોની લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ જ્યારે નવા/જૂના વાહનોનું વેચાણ કરે, રજીસ્ટર થયેલ હોય તેવા જુના વાહનોની લે-વેચ કરે કે વાહનો ભાડે આપે ત્યારે જે વ્યક્તિને વાહન વેચાણ કર્યું હોય અથવા આવું વાહન ખરીદેલ હોય અથવા ભાડે આપેલ હોય તેવી વ્યક્તિ પાસેથી જરૂરી માહિતી/આધાર પુરાવા મેળવીને સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી સિક્કા કરાવી રજિસ્ટરની ફરજિયાત નિભાવણી કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વાહનની માહિતી રાખવી જરૂરી

આ જાહેરનામા અનુસાર, રજિસ્ટરમાં ૧) વાહન કોને વેચેલ છે/ કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે. તેનું પૂરું નામ, જ્ઞાતિ, ઉંમર, સરનામું, કોન્ટેક નંબર, ૨) વાહનનો નંબર/ પ્રકાર, એન્જિન નંબર તથા ચેસીસ નંબર સહિતની વિગતો રાખવી ફરજિયાત છે. આ ઉપરાંત, આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ ચુંટણીકાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ બેંકની પાસબુક/ પાનકાર્ડ/ પાસપોર્ટ/ ઇલેક્ટ્રિક બિલ/ ટેલિફોન બિલ ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણિત ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવાની રહેશે. વાહન કોને વેચેલ છે/ કોની પાસેથી ખરીદેલ છે/ કોને ભાડે આપેલ છે/ તેનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પણ રાખવાનો રહેશે. આ જાહેરનામું તારીખ ૩૧/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા મદદગારી કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિત – ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button