એશિયાની સૌથી મોટી એવી ઊંઝા APMCમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો નિર્ધારીત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીનો ઘટનાક્રમ જોઈએ તો ફોર્મ ભરવાના દિવસે કુલ 100 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેના બીજા દિવસે 13 ફોર્મ રદ થતાં 87 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે.
ઊંઝા APMCમાં 15 ડિરેક્ટર્સ માટે આ ચૂંટણી યોજાવવા જઈ રહી છે. જે માટે 87 ઉમેદવારો મેદાને રહ્યા છે. તે તમામ ભાજપના જ સમર્થકો છે. પરંતું કેટલાક ધારાસભ્ય કે.કે. પટેલના સમર્થકો છે તો કેટલાક પૂર્વ ચેરમેન દિનેશ પટેલના સમર્થકો છે. આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ હોવાથી ભાજપ કોને મેન્ડેટ આપે છે. તેના ઉપર મોટો મદાર છે. કારણ કે ભાજપ જેને મેન્ડેડ આપશે તે ઉમેદવારોની જીત સરળ થઈ જશે અથવા તો જેમને મેન્ડેટ નથી મળતા તેઓ ફોર્મ પરત પણ ખેંચી શકે છે.
આજે સોમવારે ભાજપ કોના નામ આગળ ધરી ઊંઝા APMCની સત્તા તરફ પ્રયાણ કરાવે છે તેના ઉપર સૌની નજર અને મોટો મદાર છે. ભાજપે આ લખાઈ રહ્યું છે ત્યાં રવિવારે મોડી સાંજ સુધી હજુ મેન્ડેટ જાહેર કર્યું નથી.
પરંતું ભાજપના સંગઠનના નેતાઓ અને ખેડૂત નેતાઓએ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ દ્ધારા તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા ખેડૂતોની સબસીડી અને વિમાની રકમના ઘટાડા, 15 કરોડના સેસ કેશ કૌભાંડ અને ભરતીમાં પોતાના મળતીયાઓને ગોઠવી દીધા હોવાના ગંભીર મામલાઓ ઉજાગર કરતાં સમગ્ર ઊંઝા તાલુકાનો માહોલ ફરી ગરમાયો હતો
દિનેશ પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા : તાલુકા ભાજપ ઉપપ્રમુખ
ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિપુલકુમાર અમરતભાઈ પટેલે ઊંઝા APMC પૂર્વ ચેરમેનને મૂળ ભાજપી નહીં પણ કોંગ્રેસ કલ્ચરમાંથી આવેલા ગણાવ્યા હતા. વિપુલ પટેલના કહેવા મુજબ દિનેશ પટેલ તો પહેલાથી ભાજપના નથી. તેઓ તો કોંગ્રેસના જે તે સમયના મહિલા ધારાસભ્યની સાથે ભાજપમાં આવ્યા હતા અને તે બાદ ઊંઝા APMCમાં ચેરમેન બન્યા હતા. તેથી તેઓ મૂળ ભાજપના નેતા જ નથી. તો બીજી તરફ ધારાસભ્ય કે. કે. પટેલ ના માત્ર ભાજપ જ પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાંથી આવતા હોવાથી તેમને જ ખેડૂતોની સંસ્થાનો વહીવટ સોંપવો જોઈએ.
દિનેશ પટેલે ખેડૂતોની સહાય અડધી કરી અને મનમાની કરી હતી : પ્રવીણભાઈ પટેલ, અમૂઢ
ઊંઝા તાલુકાના અમૂઢ ગામના ખેડૂત પ્રવિણભાઈ એમ. પટેલે કહ્યું હતું કે ઊંઝ APMCના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે તે જ્યારે સત્તામાં ચેરમેન તરીકે હતા. ત્યારે ખેડૂતોને વિમાની સહાય જે બે લાખ રૂપિયા મળતી હતી. તે ઘટાડીને 1 લાખ રૂપિયા કરી દીધી હતી અને તેમાં પણ તેમના ગ્રુપનો લાભાર્થી હોય તો સહાય આપવાની અને બીજા ગ્રુપનો હોય તો નહીં આપીને તેમની મનમાની કરતા હતા. દિનેશ પટેલ ઉપર તો 15 કરોડ રૂપિયાના સેસ કેશ કૌભાંડનો મોટો વિવાદ થયો હતો. જે હજુય ચાલુ છે. તેથી પાર્ટીએ ખેડૂતોની લાગણી સમજીને દિનેશ પટેલને ફરીથી ઊંઝા APMCની સત્તા ના આપવી જોઈએ.
ધારાસભ્યને APMC નું સુકાન મળે : તાલુકા ભાજપ ઉપપ્રમુખ
ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિપુલકુમાર અમરતભાઈ પટેલે કહ્યું હતું કે ખેડૂતોની સંસ્થાનુ સુકાન ખેડૂત વિરોધીઓને ના મળવું જોઈએ. કારણ કે પૂર્વ ચેરમેન દિનેશ પટેલે દર વર્ષે ખેડૂતોને આપવાની થતી 90 લાખ મુજબની 4 વર્ષની 4.5 કરોડની સબસીડી જ ખેડૂતોને આપી નહોતી. મળતીયાઓની સીધી ભરતી કરીને APMCમાં ઘૂસાડી દીધા હતા. આ બધું જોતાં આવા વ્યક્તિને APMCમાં ફરીથી ના આવવા દેવા જોઈએ. ભાજપે ઊંઝા બેઠકના વર્તમાન ધારાસભ્ય અને પક્ષના સંનિષ્ઠ કાર્યકર કે. કે. પટેલને APMCનું સુકાન સોંપવું જોઈએ.
Source link