ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ રમાઈ રહી છે. આ સિરીઝમાં ઈંગ્લેન્ડે પ્રથમ બે મેચ જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ સિરીઝની ત્રીજી મેચ 14 ડિસેમ્બરે રમાશે. કિવી ટીમ આ મેચ જીતીને પોતાનું સન્માન બચાવવાનું લક્ષ્ય રાખશે.
આ મેચ પહેલા જ કિવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવે ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બોર્ડે તેમની બદલીની જાહેરાત પણ કરી છે.
ડેવોન કોનવે ટીમમાંથી થયો બહાર
ડેવોન કોનવે પાસેથી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી, પરંતુ તેના બેટમાંથી કોઈ મોટી ઈનિંગ્સ આવી ન હતી. તેને ચાર ઈનિંગ્સમાં માત્ર 21 રન બનાવ્યા હતા. તે ત્રીજી ટેસ્ટમાં મેચ રમતો જોવા નહીં મળે. ડેવોન કોનવે ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. આ કારણે તે ત્રીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેમના સ્થાને માર્ક ચેપમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કોચ ગેરી સ્ટીડે કહી આ વાત
ડેવોન કોનવે ત્રીજી ટેસ્ટ મેચમાં નહીં રમી શકે તે અંગે કોચ ગેરી સ્ટીડે કહ્યું કે આવી પરિસ્થિતિઓમાં પરિવાર પ્રથમ આવે છે. અમે બધા ડેવોન અને તેની પત્ની કિમ માટે ઉત્સાહિત છીએ. માર્ક ચેપમેન તાજેતરમાં ભારત સામેના પ્રવાસમાં ટીમનો ભાગ હતો. આ સિવાય તે અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેને પ્લંકેટ શીલ્ડમાં 276 રન બનાવ્યા છે અને તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં તેના માટે આ શ્રેષ્ઠ સમય છે.
ટેસ્ટ મેચમાં નથી કર્યું ડેબ્યૂ
ન્યુઝીલેન્ડ માટે માર્ક ચેપમેને હજુ સુધી ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. તે ન્યુઝીલેન્ડ માટે વનડે અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો છે. તેને અત્યાર સુધી 26 ODI મેચોમાં કુલ 564 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને બે સદી અને એક અડધી સદી પણ ફટકારી છે. તેના નામે 8 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1551 રન છે.