GUJARAT

Bhavnagarમાં ઓવરબ્રિજનું કામ મંદ ગતિએ, ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન

ભાવનગરમાં રૂપિયા 115 કરોડથી વધુના ખર્ચે છેલ્લા 4 વર્ષથી મંદ ગતીએ બની રહેલો ઓવરબ્રિજ આમ તો હજુ પૂરો તો નથી જ થયો, પરંતુ છેલ્લા 4 વર્ષથી કંટાળી ગયેલી પ્રજાના રોષનો ભોગ મનપાના શાસકો અને સત્તાધીશો ના બને એ માટે ઓવરબ્રિજનો એક સાઈડનો માર્ગ આજથી રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો

ભાવનગરના પ્રવેશ દ્વાર ગણાતા ભાવનગર રાજકોટ રોડ ઉપર વર્ષોથી ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. જેના ઉકેલ માટે ભાવનગરમાં સૌ પ્રથમ ફ્લાય ઓવર શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનું નિર્માણ કાર્ય છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. રૂપિયા 115.59 કરોડના ખર્ચે બની રહેલા ફ્લાય ઓવરની ભાવનગરની પ્રજા પણ કાગ ડોળે રાહ જોઈ રહી હતી, ત્યારે ભાવનગરની પ્રજાની આતુરતાનો થોડો ઘણો અંત આવ્યો છે. દેસાઈ નગરથી શાસ્ત્રીનગર જવાના એક સાઈડનો વન વે રોડ તૈયાર થઈ જતા ફ્લાય ઓવરની સુવિધા પ્રજાજનો માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

2020માં ફ્લાયઓવરના નિર્માણનું કામ શરૂ થયુ હતું

પરંતુ છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહેલી પ્રજાના રોષનો ભોગ ના બનવું પડે એ પહેલાં જ આ અધૂરા બ્રિજને એક સાઈડ શરૂ કરી લોકોને ટ્રાફિકની સમસ્યા ના રહે એ માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરમાં એક ફ્લાયઓવરની વાત છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય રીતે પણ ચૂંટણીલક્ષી બની ગઈ હતી. ફ્લાય ઓવર માટે ઘણા સર્વે પણ થયા અને ઘણા સ્થળો પણ બદલ્યા બાદ અંતે ભાવનગરના પ્રવેશમાં ટ્રાફિકની અતિ ગંભીર સમીક્ષાના ઉકેલ માટે ભાવનગર રાજકોટ રોડ ઉપર ફલાય ઓવર બનાવવાનું નક્કી થયું અને અંતે ઓગસ્ટ 2020માં ફ્લાયઓવરના નિર્માણનું કામ શરૂ કર્યું હતું.

ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રજાજનોને આપી આ ખાતરી

જમીન સંપાદન, દબાણો, ડિઝાઈનમાં ફેરફાર સહિતના અનેક વિઘ્નો પણ નડયા હતા, અંતે હાલમાં શાસ્ત્રીનગરથી દેસાઈ નગર પેટ્રોલ પંપ સુધીનો એક તરફનો રોડ તૈયાર થઈ ગયો છે. એક તરફનો રોડ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા હવે પ્રજાની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આગામી 14મી ડિસેમ્બરે કમુહુર્તા બેસે છે તે પહેલા કોર્પોરેશનના પદાધિકારીઓ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી અને પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા દ્વારા લોકોની સુખાકારી માટે કોઈપણ જાતના મોટા કાર્યક્રમ વગર આ બ્રિજને શરૂ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંને તરફથી આગામી 1 મે 2025 ગુજરાતના સ્થાપના દિવસે સંપૂર્ણપણે ખુલ્લો મુકવામાં આવશે અને બ્રિજનું બાકી રહેલું કામ માર્ચના એન્ડિંગ સુધીમાં સંપૂર્ણપણે પૂરું થઈ જવાની ખાતરી પણ ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રજાજનોને આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button