સુરતના વરાછામાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે, લૂંટેરી દુલ્હન દ્વારા બે મુરતિયા લૂંટાયા છે, એક સાથે લગ્ન અને બીજા સાથે સગાઈ કરી રૂપિયા 2.46 લાખ પડાવી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ છે, ત્યારે હવે પોલીસ બંનેને શોધતી થઈ ગઈ છે.
બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો
લગ્ન ઈચ્છુક યુવકો સાથે લગ્ન કરી ભાગી જતી લૂંટેરી દુલ્હન પણ હવે જોડીમાં કામ કરી રહી હોય તેવું સામે આવ્યું છે, રાજપીપળાની બે લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી ગયાનો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અત્યાર સુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવતા મામલો ગંભીર બન્યો છે. વરાછા રિદ્ધિ પેલેસમાં રહેતા હિંમત ગોરધન વોરા તેમના 22 વર્ષીય પુત્ર રોમિતના લગ્ન માટે કન્યા શોધી રહ્યા હતા, ત્યારે તેમને મિત્ર રવજી રૂપારેલીયાને માતાવાડી ચોકસી બજારમાં મળ્યા હતા.
રવજીભાઇ પણ તેમના પુત્ર અતુલ માટે કન્યા શોધી રહ્યા હતા. સમાજમાં કન્યા નહીં મળતી હોઈ આ બંને અન્ય જ્ઞાતિ કે સમાજમાંથી પણ કન્યા મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. કાપોદ્રા બજરંગનગરમાં રહેતા વિપુલ કાનજી મહેતા કન્યા શોધી લગ્ન કરાવી આપતા હોવાનું જણાવ્યું હતું. 7 ઓગસ્ટે રવજીભાઈએ વિપુલ મહારાજ ચોકસી બજારમાં યુવતીઓની ડિટેઈલ્સ લઈને બોલાવ્યા હતા. અહીં હિંમતભાઈ તેમને ઓળખી ગયા હતા. વિપુલભાઈ જ્યાં રહે છે તે બજરંગનગરમાં જ વર્ષો સુધી રહેતા હોઈ તેઓ એકબીજાથી સારી રીતે પરિચિત હતા. વિપુલભાઈએ આ બંને પ્રૌઢોના પુત્ર માટે રાજપીપળાની બે કન્યાઓની ડિટેઇલ્સ સાથે તેમના ફોટો બતાવ્યા હતા. અતુલ રૂપાવટિયાને કુંતા પસંદ આવી હતી. જ્યારે પદમા નામની યુવતીને મહેશ પસંદ આવતા લગ્નની વાત આગળ વધારવાનું નક્કી થયું હતું.
1.50 લાખ રૂપિયામાં સોદો થયો
વિપુલ મહારાજે રાજપીપળાના વાવડી ગામના સંજય પ્રવીણ ગાબાણીની મુલાકાત કરાવી હતી. સંજય ગાબાણી 8 ઓગસ્ટે બંને પ્રૌઢ તથા અતુલને 8 ઓગસ્ટે રાજપીપળાના બામલા ગામે લઈ ગયા હતા. અહીં કુંતા નામની યુવતી તેના માતા, ભાઈ સાથે મુલાકાત કરાવી હતી. છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય લગ્નનો અને જમણવારનો ખર્ચ યુવકના પરિવારે ભોગવવાનો રહેશે તેમ કરી 1.50 લાખ રૂપિયામાં સોદો થયો હતો. વિપુલ મહારાજને તેમાંથી 20,000નું કમિશન ચૂકવવાનું નક્કી થયું હતું અને 10મી ઓગસ્ટે અતુલ અને કુંતાની સગાઈ કરી દેવાઈ હતી. રાજપીપળાના ભીમપોરની પદમા નામની યુવતીને 13મી ઓગસ્ટે સુરત બોલાવી સગાઈ નક્કી કરાઈ હતી. તેમને પણ લગ્ન માટે 1.50 લાખ ચૂકવવાનું નક્કી કરાયું હતું.
રોમિલની સગાઇ કરી તેમની પાસેથી રોકડા 80,000 ઉપરાંત દાગીનાં-કપડાં સહિત 99,300 રૂપિયા પડાવી લેવાયા હતા. જ્યારે અતુલ અને કુંતાના 18મી ઓગસ્ટે ફૂલહાર કરી લગ્ન કરી દેવાયા હતા. લગ્ન સાથે આ પરિવાર પાસેથી રોકડા 1.20 લાખ અને દાગીના-કપડાં સહિત 1.47 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા. યુવતી બે દિવસ યુવકના ઘરે રહી હતી. બાદમાં આણા માટે તેનો પરિવાર લઈ ગયા બાદ યુવતી પરત ફરી જ ન હતી. યુવતીના વતન રાજપીપળાના ભીમપોર ગામે જતાં આ યુવતીઓ અને સંજય ગાબાણી લગ્નનું નાટક કરી લોકોને ખંખેરતાં હોવાનું બહાર આવ્યું હતું. તેમણે આ રીતે ભૂતકાળમાં પણ છેતરપિંડી કરી હોવાનું બહાર આવતાં મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
કેટલાક લગ્ન વાંચ્છુક યુવકો રુપિયા આપીને દુલ્હન સાથે લગ્ન કરતા હોય છે. જેના માટે તેઓએ દલાલનો સંપર્ક કર્યા બાદ ગુજરાત અથવા ગુજરાત બહાર વસતી યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે. ભૂતકાળમાં પણ કેટલાંક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે આ રીતે લગ્ન કરીને ઘરે લવાયેલી દુલ્હન કેટલાક ખેલ પાડીને ઘરમાં હાથ સાફ કરીને જતી રહેતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના વરાછામાંથી સામે આવ્યો છે, હાલ તો આ મામલે વરાછા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Source link