આઈસીસીએ 10 ડિસેમ્બરે પૂર્વ આરસીબી ખેલાડી અને વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્ઝારી જોસેફ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. અલઝારી જોસેફ બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ ODI મેચમાં લેવલ 1 કોડ ઓફ કન્ડક્ટના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો છે. ICCએ જોસેફ પર કડક ચુકાદો આપ્યો છે અને મેચ ફીના 25 ટકાનો દંડ ફટકાર્યો છે.
જાણો શું હતું કારણ?
હાલમાં બાંગ્લાદેશ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં 3 મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ વનડે પહેલા જોસેફે ચોથા અમ્પાયર સાથે દલીલ કરી હતી અને ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો હતો. અમ્પાયરે જોસેફને સ્પાઈકવાળા શૂઝ પહેરીને મેદાનમાં ન આવવા કહ્યું હતું. પરંતુ જોસેફ અમ્પાયરની વાત સાંભળવાને બદલે તેની સાથે દલીલ કરવા લાગ્યો.
જોસેફે પાછળથી પોતાની ભૂલ સ્વીકારી અને દંડ સ્વીકાર્યો. ICCએ જોસેફના આ વર્તનને આચાર સંહિતાની કલમ 2.3નું ઉલ્લંઘન ગણાવ્યું અને તેની મેચ ફીમાં 25 ટકાનો ઘટાડો કર્યો. જોસેફે છેલ્લા 24 મહિનામાં પહેલીવાર આવો ગુનો કર્યો હતો, તેથી તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો.
જોસેફનું શાનદાર રહ્યું પ્રદર્શન
બાંગ્લાદેશ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં જોસેફનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેને પ્રથમ ટેસ્ટ મેચમાં 5 વિકેટ લીધી હતી. આ સિવાય બીજી મેચમાં તેને 4 વિકેટ ઝડપી હતી. પ્રથમ વનડે મેચમાં આ ખેલાડીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી.
જોસેફને RCB દ્વારા IPL 2024માં તેમની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. તેને 3 મેચમાં 1 વિકેટ લીધી હતી. IPL 2025ની ઓક્શનમાં કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ ફાસ્ટ બોલરને કોઈ કિંમત આપી નથી. તે વેચાયા વગરનો રહ્યો.
આવું રહ્યું કરિયર
જોસેફે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ માટે 37 ટેસ્ટ મેચમાં 111 વિકેટ લીધી છે. આ સિવાય 74 ODI મેચોમાં આ ખેલાડીએ 121 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા છે. તેને 35 T-20 મેચમાં 52 વિકેટ લીધી છે. 28 વર્ષીય જોસેફ હાલમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ODI સિરીઝમાં ભાગ લઈ રહ્યો છે.