ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે,યાર્ડમાં ડુંગળીના બે લાખથી વધુ કટ્ટાની આવક થતા યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું,યાર્ડ બહાર હજુ 500થી વધુ વાહનોની લાઈનો લાગી છે.સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો માટે અસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક નોંધાઈ હતી. યાર્ડ બહાર ગઈકાલ સવારથી સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી લઈને આવી પોહચ્યા હતા અને રાત 9 વાગ્યા સુધીમાં અંદાજે 2 હજાર થી વધુ વાહનોની 7 થી 8 કિલોમીટર લાંબી લાઈનો લાગી જવા પામી હતી.
ગોંડલ ડુંગળીને લઈ સૌથી મોટું માર્કેટ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે બે લાખ કટ્ટાની આવક થવા પામી હતી. જે આ વખતેની ડુંગળીની રેકોર્ડબ્રેક આવક થતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું હતું. હજુ પણ યાર્ડની બહાર ડુંગળી ભરેલ 500 થી વધુ વાહનોની લાઈનો લાગી હોય વહેલામાં વહેલી તકે તેમની આવક કરવામાં આવશે. હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂ. 200 થી રૂ. 850 સુધીનો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીની આવકમાં મોખરે સ્થાન ધરાવે છે.
અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા આવી પોહચ્યાં
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડમાં વિવિધ જણસીની રેકોર્ડબ્રેક આવક થતી હોય છે. ત્યારે ગોંડલ યાર્ડમાં બહારના રાજ્ય માંથી વેપારીઓ જણસીઓ ખરીદ કરવા માટે આવતા હોય છે. ત્યારે લાલ ડુંગળીની ખરીદી માટે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના એક્સપર્ટઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે.અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભરના ખેડૂતો ગોંડલ યાર્ડમાં આવતા હોય છે.
ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક
આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની રેકોર્ડબ્રેક આવક થવા પામી હતી જેને લઈને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજરોજ લાલ ડુંગળીની આવક કરવામાં આવી હતી. યાર્ડના ગ્રાઉન્ડમાં જ્યાં નજર ત્યાં લાલ ડુંગળીના કટ્ટાના થપ્પા લાગી જવા પામ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો વાહનોમાં લાલ ડુંગળીની જણસી ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચવા માટે આવી પોહચ્યા હતા. તેનું એકમાત્ર કારણ એ છે કે ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.
Source link