સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નવરંગપુરા, સાયલા, લખતર અને લીંબડી હાઈવે પર અકસ્માતના બનાવ પોલીસ ચોપડે ચડયા છે. જેમાં નવરંગપુરામાં 2 બાઈક અથડાતા 1નું મોત થયુ છે. જયારે સાયલા હાઈવે પર કારની ઠોકરે બાઈક સવાર દંપતી અને ર પુત્રીઓને ઈજા થઈ છે.
બીજી તરફ લીંબડી હાઈવે પર ટ્રીપલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ છે.પાટડી તાલુકાના નવરંગપુરા ગામે રહેતા 42 વર્ષીય લાલજીભાઈ દિનેશભાઈ કોરડીયા તા. 9ના રોજ રાત્રે બાઈક લઈને વાડીએથી ઘરે આવતા હતા. ત્યારે બાઈક ચાલક ઉપરીયાળાના દિનેશભાઈ દાનાભાઈએ પોતાનું બાઈક ગફલતભરી રીતે ચલાવી લાલજીભાઈ સાથે અકસ્માત કર્યો હતો. જેમાં લાલજીભાઈ બાઈક સહિત નીચે પટકાયા હતા. જેમાં લાલજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ મનુભાઈ કોરડીયાએ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ આર.જે.રાઠોડ ચલાવી રહ્યા છે. જયારે સાયલાની સોમનાથ સોસાયટીમાં રહેતા 29 વર્ષીય જયેશભાઈ બાબુભાઈ મોરી કડીયાકામ કરે છે. તા. 7-12ના રોજ બપોરના સમયે તેઓ પત્ની કૈલાસબેન, દિકરી તન્વી અને વેદાંશી સાથે બાઈક પર સાસરીયુ વસ્તડીથી પરત સાયલા આવતા હતા. ત્યારે સાયલા હાઈવે પર મોમાઈ હોટલ પાસે પહોંચતા તન્વીએ વેફરની માંગણી કરી હતી. આથી રોડની સાઈડમાં સફેદ પટ્ટા બહાર જયેશભાઈએ પોતાનું બાઈક થોભાવ્યુ હતુ. અને ચારેય હજુ બાઈક પર જ બેઠા હતા. ત્યારે પાછળથી પુરઝડપે આવેલી કારના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈકને પાછળથી ઠોકર મારી હતી. જેમાં ચારેય નીચે પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે જયેશભાઈ સહિત ચારેયને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. બનાવની સાયલા પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એમ.એમ.પરમાર ચલાવી રહ્યા છે.
લખતર હાઈવે પર અમદાવાદની બેકરી કંપનીનું છોટા હાથી રસ્તાની સાઈડમાં ઊતરી ગયું
અમદાવાદની ટાઈગર બેકરીના વાહનમાં 23 વર્ષીય માજીદઅલી જાવેદઅલી અન્સારી અને 60 વર્ષીય જાવેદઅલી અબ્દુલવસીમ અન્સારી માલ સામાન સુરેન્દ્રનગરની વીવીધ દુકાનોએ આપીને પરત જતા હતા. ત્યારે વઢવાણ-લખતર રોડ પર મોતીસર તળાવની પાળ પાસે ડ્રાઈવર માજીદઅલીને ઝોકુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટાહાથી રસ્તાની સાઈડમાં ઉતરી ગયુ હતુ. જોકે, આ બનાવમાં પિતા-પુત્રને કોઈ ઈજા પહોંચી ન હતી. જેસીબીની મદદથી છોટાહાથીને બહાર કાઢવામાં આવ્યુ હતુ.
લીંબડી ટ્રિપલ અકસ્માતના બનાવની ફરિયાદ નોંધાઈ
લીંબડી હાઈવે પર તા. 10ના રોજ મોડી રાત્રે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. આ બનાવની સાબરકાંઠાના ઈડરમાં રહેતા ગીરીશ ખેમાભાઈ પટેલે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ કે, તેઓ તથા ડ્રાઈવર મહેશભાઈ ભીખાભાઈ મકવાણા અને કલીનર મુકેશભાઈ ભીખાભાઈ મકવાણા આઈસરમાં માંડવી અને સોયાબીન ભરીને ગોંડલ એપીએમસી જતા હતા. ત્યારે ચેકપોસ્ટ પાસે બેરીકેટ મુકેલા હોઈ આઈસર ધીમુ પડતા પાછળથી એક ટ્રેલરે ટક્કર મારી હતી. જેમાં આઈસર આગળ ઉભેલ ટ્રક પાછળ ઘુસી જતા ચાલક મહેશભાઈ અને કલીનર મુકેશભાઈને ઈજાઓ પહોંચી છે. બનાવની પાણશીણા પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.
Source link