પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફ્કિ અને વધતા જતા અકસ્માતોને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે અરજદારપક્ષ તરફ્થી અગત્યનો મુદ્દો હાઇકોર્ટના ધ્યાન પર મૂકાયો હતો કે,
અમ્યુકોએ જે કોન્ટ્રાકટર રણજિત બિલ્ડકોનને આ ફ્લાયઓવરનો કોન્ટ્રાકટ આપ્યો છે, તેની વિરૂધ્ધમાં લોકાયુકતે હુકમ કર્યો હતો અને તેને અગાઉ બ્લેકલીસ્ટેડ પણ કરાયો હતો, છતાં તેના જ ગ્રુપની કંપનીને અમ્યુકો સત્તાવાળાઓએ કોન્ટ્રાક્ટ આપી દીધો છે પરંતુ આ ગ્રુપ દ્વારા નવ વર્ક કોન્ટ્રાકટ ફેલ ગયા છે અને માનવ મૃત્યુ સહિતના ગંભીર બનાવો પણ આ કોન્ટ્રાકટરની બેદરકારીને લઇ સામે આવ્યા છે, તેથી જાહેરહિતમાં તેને આ કામ ના અપાવું જોઇએ.
અરજદારપક્ષ તરફ્થી સિનિયર કાઉન્સેલ મીહિરભાઇ ઠાકોરે આજે બહુ જ અગત્યના મુદ્દાઓ પર લંબાણપૂર્વકની દલીલો કરી હતી અને તેમણે અમ્યુકોના ફ્લાયઓવરને લઇ મેળવાયેલ તજજ્ઞા રિપોર્ટસને સવાલો ઉઠાવ્યા હતા અને અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, જે પ્રકારે આ રિપોર્ટ તૈયાર કરાયા છે અને તેમાં જે તથ્યો રજૂ થયા છે તે ભારે શંકા જન્માવે છે. વળી, ખુદ રિપોર્ટની વાતોને પણ જો ધ્યાનમાં લઇએ તો, વર્ષ 2012 અને 2020ની સરખામણીએ વર્ષ 2024માં આઇઆઇએમ ચાર રસ્તા પાસે પીક અવર્સમાં વાહનોના ધસારામાં 30થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે જોતાં આ ફ્લાયઓવર બ્રિજની જરૂરિયાત વર્ષ 2044માં ઉભી થશે. પરંતુ જો આ ફ્લાયઓવરનું કામ આ કોન્ટ્રાકટરને અપાશે તો ત્યાં સુધીમાં આ બ્રિજ બચશે નહી.
અરજદારપક્ષ તરફ્થી અદાલતનું ધ્યાન દોરાયું કે, અમ્યુકોએ આ વિવાદીત રોડ પર ફ્લાયઓવરને લઇ વર્ષ 2012, વર્ષ 2020માં અને વર્ષ 2024માં એમ કુલ ત્રણ રિપોર્ટ અત્યારસુધીમાં મેળવ્યા છે. વર્ષ 2012માં આ માર્ગ પરથી દસ હજારની આસપાસ વાહનો પસાર થતા હતા, જે વર્ષ 2020માં 8582 અને વર્ષ 2024માં આજે ઘટીને છ હજાર જેટલા થઇ ગયા છે. સત્તાવાળાઓએ ભવિષ્યમાં આ રોડ પર ટ્રાફ્કિ વધવાની સંભાવનાને આધાર બનાવી ફ્લાયઓવરનો સૂચિત પ્રોજેકટ મૂકયો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ રોડ પર વાહનો વધવાને બદલે નોંધનીય રીતે ઘટયા છે. આ રોડ પર ટ્રાફ્કિના ક્રમશઃ સતત ઘટાડાને જોતાં આગામી વર્ષ 2044 સુધી ફ્લાયઓવરની કોઇ જ જરૂરિયાત જણાતી નથી. ખુદ અમ્યુકોના રિપોર્ટ અને સર્વે પરથી આ હકીકત સામે આવી છે.
આ સૂચિત ફ્લાયઓવરનું કામ જે રણજિત ગ્રુપને અપાયું છે, તેને લઇને પણ બહુ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને કોર્ટને જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા નવ જુદા જુદા કામ-પ્રોજેકટ ફેલ ગયા છે. આ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરાયો હતો પરંતુ એક કમીટી બનાવી તેને તેમાં બહાર કાઢી દેવાયો. જે નવ ગંભીર બનાવો આ કોન્ટ્રાકટની નિષ્કાળજી અને બેદરકારીના કારણે બન્યા હતા, જેમાં મજૂરો સહિતના લોકોના મોત પણ થયા હતા તે તમામ વિગતો હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી.
બ્રિજ બનવાથી ફાયરના વાહનોને મુશ્કેલી
અરજદારે કોર્ટમાં જણાવ્યું હતું કે, જો રોજ એક લાખથી વધુ વાહનો પસાર થતા હોય ત્યારે બ્રિજની જરૂરિયાત ઉભી થાય અને બ્રિજ બનવાથી ફાયરબ્રિગેડના મોટા વાહનો પણ પસાર ના થઇ શકે તેવી પરિસ્થિતિ બનશે. ટૂંકમાં, અમે બંને તરફ ઓવરબ્રિજ બનાવવાના વિરોધમાં છીએ. અમદાવાદ શહેર હવે નવા પશ્ચિમ તરફ વધુ વિસ્તરી રહ્યું છે. હાઇકોર્ટે અરજદારને સાંભળી કેસની વધુ સુનાવણી આવતા સપ્તાહે રાખી છે.
કોન્ટ્રાક્ટ બાબતે મ્યુનિ.નો પાંગળો બચાવ
અમ્યુકો તરફ્થી બચાવ કરાયો હતો કે, આ કામ રણજિત બિલ્ડકોન નહી પરંતુ રણજિત કન્સ્ટ્રકશનને અપાયુ છે, તેથી અરજદારે કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો કે, એક જ ગ્રુપ છે અને ઓફ્સિ પણ કોમન છે. વળી, પાર્ટનર અને ડિરેકટર પણ આ ત્રણ કંપનીઓમાં સામેલ છે., તેથી આવા લોકોના જીવન સાથે રમત રમનારા કોન્ટ્રાકટરને કોઇપણ સંજોગોમાં કોન્ટ્રાકટ ના આપી શકાય. આ લોકોના જીવન અને સુરક્ષા સાથે સંકલાયેલો સંવેદનશીલ મુદ્દો છે.
Source link