નરોડામાં સુરતના વેપારીને મહિલાએ ફોન કરીને ન્યૂટ્રીશન પાઉડર અંગેની માહિતી લેવા માટે બોલાવ્યા હતા. બાદમાં એક્ટિવા પર બેસાડીને કેનાલ પાસે લઈ ગયા હતા. આ દરમ્યાન એક ક્રેટા કારમાં 4 શખ્સોએ આવીને વેપારીને આ મહિલા ડ્રગ્સ વેચે છે તું પણ ડ્રગ્સ ડિલર છે તેવુ કહીને વેપારીનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ ફેરવીને માર મારીને ડ્રગ્સના કેસમાં ફસાવવાની અને મારી નાખવાની ધમકી આપીને રૂપિયા 25 લાખની માગણી કરી હતી અને રૂપિયા 1 લાખની સોનાની લકી લૂંટી લીધી હતી.
વેપારીને સુરતથી નરોડા બોલાવ્યો
આ સિવાય પણ વેપારી પાસેથી રૂપિયા 3 લાખ આંગડિયા મારફતે મગાવીને લઈ લીધા હતા. આ અંગે વેપારીએ એક મહિલા સહિત 5 લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુરતમાં રહેતા ભરતભાઇ કુકડીયા ન્યૂટ્રીશનના પાઉડરનો ધંધો કરે છે. તેમને પોતાની પ્રોડક્ટનું સોશિયલ મીડિયામાં પણ માર્કેટિંગ કરે છે. ગત 4 ડિસેમ્બરે તેમના પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે શીતલ મહેતા બોલતા હોવાનું કહીને પાઉડર અંગેની માહિતી માગી હતી. જેથી ભરતભાઈએ ઓનલાઈન જોઈ લેવાનું કહેતા શીતલે નથી આવડતુ તમે રૂબરૂ આવીને મને માહિતી આપો.
વેપારીને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ત્યારબાદ બંને વચ્ચે મેસેજ અને વોટ્સએપ કોલમાં વજન ઉતારવા અંગે વાત થઈ હતી. ગત 9 ડિસેમ્બરે ભરતભાઈ અમદાવાદ આવ્યા હતા અને દહેગામ સર્કલ પાસે શીતલબેનને મળવા ગયા હતા. બાદમાં શીતલ પાઉડર બાબતે આપણે મારા ઘરે જઈને વાત કરીએ કહીને એક્ટિવા પર બેસાડીને શીતલ જતી હતી. ત્યાં રસ્તામાં કેનાલ આવતા શીતલે એક્ટિવા ઉભુ રાખ્યુ અને પાઉડર અંગે મને અહીં માહિતી આપો બાદમાં ઘરે જઈએ. જેથી ભરતભાઈ માહિતી આપતા હતા આ દરમ્યાન ક્રેટા કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને આ બેન ડ્રગ્સ વેચે છે અને તું પણ ડ્રગ્સ ડીલર છે કહીને મહિલાના પર્સમાંથી સફેદ કલરની પડીકી કાઢી હતી. બાદમાં ચારેયે ભરતભાઈનું અપહરણ કરીને અવાવરૂ જગ્યાએ ફેરવીને માર મારીને ડ્રગ્સના કેસમાં ફસાવવાની અને મારી નાખવાની ધમકી આપીને રૂપિયા 25 લાખની માગણી કરી હતી.
નરોડા પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો
તેમજ પોલીસને બોલાવી તારા પર કેસ કરાવી દઈશુ તેમ જણાવ્યુ હતુ. બાદમાં શખ્સોએ રૂપિયા 1 લાખની સોનાની લકી લૂંટી લીધી હતી. જેથી ભરતભાઈએ ડરીને સંબંધી પાસે રૂપિયા 3 લાખ આંગડિયા મારફતે મગાવ્યા હતા. બાદમાં ચારેય બાપુનગર પાસે આંગડિયામાંથી રૂપિયા લઈને વેપારીને બાપુનગર રોડ પર મૂકીને નાસી ગયા હતા. આ અંગે ભરતભાઈએ એક મહિલા સહિત 5 લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Source link